અમદાવાદ બ્રાન્ચના મેનેજરનું અપહરણ અને ત્યાર બાદ થયેલ હત્યા મામલે કોર્ટે ફટકારી સજા
રાજકોટમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટની રાજમોતી ઓઇલના અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તેમજ રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહીત 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં વસુલીમાટે કુખ્યાત રાજકોટ પોલીસના બે અધિકારીઓની પણ સંડોવણી સામે આવતા તે બંન્નેને પણ આજીવન કારાવાસની સજા હાઇકોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.
પોલીસે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલીન પ્રમુખ સમીર શાહની જયપુરથી ધરપકડ કરી હતી. સમીર શાહ પર પોતાની જ કંપની રાજમોતી ઓઇલ મિલના અમદાવાદના ડેપો મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાનો કેસ ચાલી રહ્યો હતો.
સમીર શાહે અમદાવાદના બ્રાંચ મેનેજર દિનેશ દક્ષિણીનું અમદાવાદથી અપહરણ કરાવ્યુ હતું. અપહરણ કરીને તેને રાજકોટ લવાયો હતો. મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી રાજકોટ ઓઇલ મિલનો સિક્યુરિટીમેન ક્રિપાલસિંહ લાવ્યો હતો. પરંતુ હત્યાની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને મોરબી રોડ જકાતનકા નજીકથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તેણે કબુલ્યુ હતું કે સમીર શાહના કહેવાથી જ તે મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી અપહરણ કરીને રાજકોટ લઈ આવ્યો હતો.
સમગ્ર મામલો આ પ્રમાણે છે
રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહના કહેવાથી મેનેજર સમીર ગાંધી તેમજ અન્ય બે શખ્સોએ ફેબ્રુઆરી, 2016માં અમદાવાદની બ્રાન્ચના મેનેજર દિનેશભાઇ દક્ષિણીનું હિસાબમાં ગોટાળો કર્યો હોવાનું જણાવી અપહરણ કર્યુ હતુ અને તેમને રાજકોટ લાવ્યા હતા. રાજકોટ મિલમાં તેને બે દિવસ સુધી ગોંધી રાખી હિસાબ મામલે તેની પૂછપરછ કરી હતી અને ઢોરમાર માર્યો હતો. અને તેણે આર્થિક ગોટાળા કર્યા હોવાનું કબુલાત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ તેને બેડીપરા પોલીસ ચોકીના ASI યોગેશ ભટ્ટને હવાલે કરવામાં આવ્યા હતાં. યોગેશ ભટ્ટે પોલીસ ચોકામાં દિનેશભાઇને લાકડી તેમજ કાળા કલરની પાઇપથી વાંસામાં, સાથળમાં, કુલ્લાના ભાગે, પગના તળિયે માર માર્યો હતો. ઢોર માર મારવાથી દિનેશભાઇ ચોકીમાં બેભાન થઇ ગયા હતા અને ત્યારબાદ તેમનું મૃત્યું નીપજયુ હતુ. ત્યારબાદ દિનેશભાઇને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ જવાતા ફરજ પર તબીબે દિનેશભાઇને ચેક કરતા તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.
દિનેશભાઈનું મોત નિપજતા સમગ્ર ઘટનામાં તેમની હત્યા થઈ હોવાનું સામે આવ્યુ હતું. જેમાં રાજકોટ પોલીસના અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી હતી. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મારૂ, બિ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમાની સંડોવણી બહાર આવી હતી. જેના પગલે એસીપી બન્નો જોશી દ્વારા આ તમામની ધરપકડ કરીને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ગુનો નોંધાતા યોગેશ ભટ્ટની ધરપકડ થઇ હતી અને તેણે એક વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું, જોકે કેસમાં તેનો નિર્દોષ છુટકારો થયો હતો.
જો કે આ મામલે આજે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસમાં સડોવાયેલ તમામ દોષીતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સોમા પ્રમુખ અને રાજમોતી મિલના માલિક સમીર શાહ, ASI યોગેસ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.