ઉત્તરાખંડે રચ્યો ઈતિહાસ: યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું, એકથી વધુ લગ્ન પર રોક, લિવ-ઈન તેમજ સંપત્તિ માટે પણ કડક નિયમ

Uttarakhand-UCC

દરેક વ્યક્તિ માટે તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો લાગુ થશે.
ભારતીય જનતા પાર્ટીએ 2022માં યોજાનારી ચૂંટણીમાં ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાનું વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યુંઃ CM ધામી

ઉત્તરાખંડે આજે ઈતિહાસ રચ્યો છે. આજથી ઉત્તરાખંડમાં બહુચર્ચિત કાયદો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થઈ ગયો છે. ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનના મુખ્ય સેવક ગૃહમાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.આ દરમિયાન, મુખ્યમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ- 2024ના અમલીકરણ માટેના નિયમો અને પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે સીએમ ધામીએ કહ્યું કે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. 3 વર્ષ પહેલાં રાજ્યની જનતાને જે વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યું. અમારી ટીમે UCC માટે ખૂબ જ ખંતથી અને સખત મહેનત કરી છે.

રાજ્યના મુખ્યમંત્રીએ પુષ્કર સિંહ ધામીએ રવિવારે જણાવ્યુ હતું કે 27 જાન્યુઆરીથી UCC નિયમો લાગુ કરવાના છીએ. UCC લાગુ કરવા માટેના તમામ પ્રકારની જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. UCC નિયમો લાગુ કરતા પહેલાં આ બાબતે લાંબી કવાયત હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઉત્તરાખંડના લોકો પાસેથી સલાહ લેવામાં આવી હતી. આના માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. હાલમાં, કેબિનેટે UCCના નિયમો પર તેની સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેના અમલીકરણથી સમાજમાં એકરૂપતા આવશે અને તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ “યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ-2024” ના અમલીકરણ માટે તૈયાર કરાયેલા નિયમો અને સંબંધિત પોર્ટલનું પણ લોન્ચિંગ કર્યું. લોકો આ પોર્ટલ (https://ucc.uk.gov.in)નો ઉપયોગ કરી શકે છે.

ઉત્તરાખંડ UCC લગ્ન, છૂટાછેડા, વારસો, લિવ-ઈન રિલેશનશિપ અને અન્ય સંબંધિત બાબતોનું નિયમન કરશે. સમગ્ર ઉત્તરાખંડમાં UCC લાગુ કરવામાં આવ્યો છે. UCCનો અમલ થતાંની સાથે જ આજથી ઘણી બધી બાબતો બદલાવાની છે. તેનો અમલ કરીને રાજ્ય સરકારે લોકોને પણ આ અંગે જાગૃત કર્યા છે. આસામ સહિત દેશના ઘણા રાજ્યોએ ઉત્તરાખંડના યુસીસી એક્ટને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ 2022માં યોજાનારી ચૂંટણીમાં ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાનું વચન આપ્યું હતું. જ્યારે ભાજપ સત્તામાં પરત ફર્યું ત્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં કેબિનેટની પ્રથમ બેઠકમાં તેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

યુનિફોર્મ સિવિલ કોડ(UCC) શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો તેનો અમલ થશે તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

યુનિફોર્મ સિવિલ કોડ(UCC)થી શું બદલાશે?

સમાન મિલકતનો અધિકારઃ પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. તે કઈ કેટેગરીના છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
મૃત્યુ પછીની મિલકત: જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાનરૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિનાં માતા-પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉના કાયદામાં આ અધિકાર માત્ર મૃતકની માતાને જ મળતો હતો.
સમાન આધારો પર છૂટાછેડા મળશે: પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધાર અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મંજૂર કરવામાં આવશે નહીં.
લિવ-ઇન રજિસ્ટ્રેશન જરૂરીઃ જો ઉત્તરાખંડમાં રહેતા કપલ્સ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો કે આ સેલ્ફ ડિક્લેશન જેવું હશે, પરંતુ આ નિયમ અનુસૂચિત જનજાતિના લોકોને આમાંથી મુક્તિ હશે.
બાળકની જવાબદારીઃ જો બાળક લિવ-ઈન રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ-ઈન કપલની રહેશે. બંનેએ પોતાનું નામ પણ તે બાળકને આપવાનું રહેશે. આનાથી રાજ્યના દરેક બાળકને ઓળખ મળશે.

યુનિફોર્મ સિવિલ કોડ(UCC)થી ઉત્તરાખંડમાં શું ફેરફારો થશે?

  • હવે તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસા માટે સમાન કાયદો હશે. લગ્નનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત રહેશે.
  • લગ્નના છ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. 26 માર્ચ, 2010 પહેલાંના લગ્નોનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નહીં રહે. રજિસ્ટ્રેશન ન કરવા બદલ વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો તમે રજિસ્ટ્રેશન નહીં કરો તો તમને સરકારી સુવિધાઓનો લાભ નહીં મળે.
  • મહિલાઓને પણ પુરુષોની જેમ છૂટાછેડા લેવાનો અધિકાર હશે. પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર હશે અને કાયદેસર અને ગેરકાયદેસર બાળકોમાં કોઈ મતભેદ રહેશે નહીં.
  • કોઈપણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાયના લોકોને છૂટાછેડાનો એક સમાન કાયદો લાગુ પડશે. હાલમાં દેશમાં દરેક ધર્મ અનુસાર આ કેસોનો નિકાલ થાય છે.
  • હવેથી ઉત્તરાખંડમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાગશે. છોકરીઓના લગ્નની ઉંમર જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. લગ્ન કરવા માટે છોકરીઓની ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે.
  • UCC લાગુ થવાથી ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થવા જઈ રહી છે. વળી, હવેથી વારસામાં છોકરીઓને પણ છોકરાઓની સમકક્ષ ગણવામાં આવશે.
  • કપલ માટે તેમના લિવ-ઈન રિલેશનશિપને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો કોઈ દંપતીની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોય, તો તેઓએ રજિસ્ટ્રેશન દરમિયાન તેમનાં માતાપિતા પાસેથી સંમતિપત્ર પણ આપવો પડશે.
  • અનુસૂચિત જનજાતિને UCCના નિયમો અને કાયદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. આ સિવાય ટ્રાન્સજેન્ડર અને ધાર્મિક બાબતો જેમ કે પૂજાના નિયમો અને પરંપરાઓ સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યાં નથી.

યુનિફોર્મ સિવિલ કોડ(UCC)નાં અમલીકરણ માટે ક્યારે અને શું થયું?

  • CM ધામીએ 2022ની ચૂંટણીના એક દિવસ પહેલાં UCCની જાહેરાત કરી હતી
  • સરકાર બનાવ્યા બાદ માર્ચ 2022ના પ્રથમ કેબિનેટમાં સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી હતી.
  • કમિટીને ઓફલાઈન અને ઓનલાઈન 2.5 લાખ લોકો પાસેથી 20 લાખ સૂચનો મળ્યાં હતાં.
  • UCC બિલ 6 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું, 7 ફેબ્રુઆરી 2024ના રોજ પસાર થયું.
  • રાષ્ટ્રપતિએ 11 માર્ચ 2024ના રોજ UCC બિલને મંજૂરી આપી, અમલીકરણ સમિતિએ 18 ઓક્ટોબર 2024ના રોજ સરકારને નિયમો સબમિટ કર્યા.
  • નિયમોને 20 જાન્યુઆરી 2025ના રોજ કેબિનેટની મંજૂરી મળી હતી.
  • ગોવામાં UCC પહેલેથી જ લાગુ છે.

ભારતીય બંધારણમાં ગોવાને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. તેમજ સંસદે કાયદો બનાવીને ગોવાને પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો. તેથી ગોવા એકમાત્ર રાજ્ય છે, જ્યાં પહેલેથી જ UCC લાગુ છે. હવે ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય બનશે જ્યાં સ્વતંત્રતા પછી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે.