ઘોડાસર બ્રિજ પર ભયંકર અકસ્માત, બંધ પડેલી AMTSની બસ રિપેર કરી રહેલા બે લોકોના મોત, ફુલ સ્પીડે આવેલી આઈસરે બસને પાછળથી ટક્કર મારી

ghodasarAccident

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં થોડા સમય પહેલા જ બનેલા નવા ઑવર બ્રિજ પર બંધ પડી ગયેલી AMTS બસને ફુલ સ્પીડે આવેલી આઈસરે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસ રિપેર કરી રહેલા બે ફોરમેન બંને બસ વચ્ચે ચકદાઈ જતા બંનેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, ઘોડાસરમાં આવેલા કેડિલા બ્રિજ પર AMTSની બસ બંધ પડી ગઈ હતી. બસને ટોઈંગ કરીને લઈ જવા માટે બીજી બસ સાથે કનેક્ટ કરવામાં આવી હતી. ત્યારે બ્રિજ પર ટોઈંગનો વાયર તૂટી જતાં બંને ફોરમેન બસ રિપેર કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી માંતેલા સાંઢની માફક ધસી આવેલી આઈસરે એક બસને ટક્કર મારી હતી. એના કારણે બંને બસોની વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેન ચગદાઈ જતાં તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અકસ્માતના પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ જતાં બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા AMTSના અધિકારીઓ અને ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે હાલ AMTS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ હ્રદય આનંદ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી તરીકે થઈ છે. જેઓ AMTSના નહી, પરંતુ ખાનગી બસ ઑપરેટ આદિનાથ બલ્ક કરિયરના કર્મચારી હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે ફરિયાદ નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.