વકફ બિલ સુધારા પર જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી(JPC)એ વક્ફ બિલમાં સુધારા કરવા મંજૂરી આપી દીધી છે. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 14 સુધારાઓને મંજૂરી મળી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા આપવામાં આવેલી તમામ ભલામણોને ફગાવી દેવામાં આવી છે. કુલ 67 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ સાંસદો તરફથી 23 ફેરફારો અને વિપક્ષ તરફથી 44 ભલામણો રજૂ કરવામાં આવી હતી. હવે JPCની આગામી બેઠક 29 જાન્યુઆરીએ યોજાશે.
વક્ફ બિલ સુધારા પર આજે સોમવારે મળેલી જેપીસીની બેઠકમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ હોબાળો કર્યો હતો. જેપીસી સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે 44 સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 6 મહિનાના સમયગાળા દરમિયાન વિગતવાર ચર્ચા કર્યા પછી અમે બધા સભ્યો પાસેથી સુધારા મંગાવવામાં આવ્યા હતા. આજની અંતિમ બેઠકમાં બહુમતીના ધોરણે 14 સુધારાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ દ્વારા સૂચવવામાં આવેલ તમામ સુધારા પર મતદાન કરવામાં આવતા 10 મત સમર્થનમાં અને 16 મત વિરોધમાં પડ્યા હતા. જેથી તેને ફગાવી દેવામાં આવ્યા છે. આ પછી વિરોધ પક્ષો દ્વારા સુધારાને નકારી કઢાયા હતા.
વક્ફ સુધારા બિલ પર સંસદીય સમિતિના સભ્યોએ ડ્રાફ્ટ બિલમાં સુધારા સૂચવ્યા હતા. ભાજપ અને વિપક્ષના સભ્યોએ બિલમાં સુધારા રજૂ કર્યા છે. જોકે સુધારા રજૂ કરનારા સભ્યોની યાદીમાં ભાજપના કોઈપણ સાથી પક્ષનું નામ સામેલ નથી.
વક્ફ અધિનિયમ 1995, વક્ફ મિલકતોને નિયમિત કરવાના હેતુથી, ગેરવ્યવસ્થાપન, ભ્રષ્ટાચાર અને અતિક્રમણ જેવા મુદ્દાઓ માટે ટીકા કરવામાં આવી છે.
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા તારીખ 8 ઓગસ્ટના રોજ વકફ સુધારા બિલ 2024 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના નિયમન અને વ્યવસ્થાપનમાં સમસ્યાઓ અને પડકારોને સંબોધવા માટે વકફ અધિનિયમ, 1995માં સુધારો કરવાનો છે. જો કે, વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની નિંદા કરી અને પાલ પર લોકતાંત્રિક પ્રક્રિયાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો.
વક્ફ સંશોધન બિલમાં રજૂ કરવામાં આવેલા સુધારાઓ પર અભ્યાસ કરવા પૂરતો સમય મળ્યો ન હોવાની ફરિયાદો કરતાં વિપક્ષના 10 સાંસદોને જેપીસીએ સસ્પેન્ડ કર્યા હતાં. જેમાં બિલના સૌથી મોટા ટીકાકાર તૃણમુલ કોંગ્રેસના કલ્યાણ બેનરજી અને AIMIMના ઓવૈસી સામેલ હતા.
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, આ રાઉન્ડની બેઠક હાસ્યાસ્પદ હતી. અમારા મંતવ્યો સાંભળવામાં આવ્યા ન હતા. પાલે સરમુખત્યારશાહી રીતે કામ કર્યું છે. આ અંગે જગદંબિકા પાલે કહ્યું કે સમગ્ર પ્રક્રિયા લોકતાંત્રિક હતી અને બહુમતીના અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે સમિતિ આગામી બજેટ સત્રમાં તેનો 500 પાનાનો અહેવાલ રજૂ કરી શકે છે. વક્ફ સમિતિએ દિલ્હીમાં 34 બેઠકો યોજી છે અને ઘણા રાજ્યોની મુલાકાત લીધી છે જ્યાં 24 થી વધુ હિસ્સેદારોને બોલાવવામાં આવ્યા હતા. સમિતિના 21 લોકસભા અને 10 રાજ્યસભા સભ્યોમાંથી 13 વિપક્ષી પક્ષોના છે. નીચલા ગૃહમાં નવ અને ઉપલા ગૃહમાં ચાર સભ્યો છે.
પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવેલા 14 સુધારાઓના નિર્ણયને અંતિમ સ્વરૂપ 29 જાન્યુઆરીએ આપવામાં આવશે. બાદમાં 31 જાન્યુઆરીના રોજ અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. અગાઉ જેપીસીને આ મુદ્દે 29 નવેમ્બરે અંતિમ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કરાયો હતો. પરંતુ બાદમાં ડેડલાઈન લંબાવી 13 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.