હમાસે 4 ઇઝરાયલી મહિલા સૈનિકોને મુક્ત કર્યા, 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવ્યા હતા

4hostagesReleased

Hamas releases 4 Israeli soldiers: હમાસે શનિવારે 4 ઇઝરાયલી મહિલા સૈનિકોને મુક્ત કર્યા. ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળના આ કરારમાં, ઇઝરાયલ ચાર બંધકોને મુક્ત કરવાના બદલામાં ઈઝરાયલ 200 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.

ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે શનિવારે 4 ઇઝરાયલી મહિલા સૈનિકોને મુક્ત કર્યા. આ સૈનિકોની મુક્તિના બદલામાં, ઇઝરાયલ તેની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના જૂથને મુક્ત કરશે. જોકે, કેટલા કેદીઓને મુક્ત કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. પરંતુ અહેવાલો અનુસાર, આ સંખ્યા 200 ની આસપાસ હોઈ શકે છે.

આ મુક્ત કરાયેલા સૈનિકોને સૈન્ય ગણવેશમાં લાવવામાં આવ્યા હતા અને એક સ્ટેજ પર ઉભા રાખવામાં આવ્યા હતા. અહીંથી આ લોકોને રેડ ક્રોસના સભ્યોને સોંપવામાં આવ્યા હતા. હાલમાં, આ લોકો ગાઝા છોડી ગયા છે. મુક્ત થયા પછી, આ ચાર સૈનિકોના ચહેરા પર રાહતનું સ્મિત હતું. હમાસના જણાવ્યા અનુસાર, આ મુક્ત કરાયેલા સૈનિકોના નામ કરીના અરિયેવ, ડેનિયેલા ગિલ્બોઆ, નામા લેવી અને લીરી અલબાગ છે. આ ચારેય મહિલા સૈનિકો છેલ્લા 15 મહિનાથી બંધક હતી.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું હતું કે ચારેય મહિલા સૈનિકને દક્ષિણ ઇઝરાયલના એક કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના પરિવારો હાજર હતા. ચારેય મહિલા સૈનિક તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

ઇઝરાયલના તેલ અવીવમાં હોસ્ટેજીસ સ્ક્વેર ખાતે ટીવી સ્ક્રીન પર આ ચારેય બંધકોની મુક્તિનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં સેંકડો લોકો તેમને જોવા માટે એકઠા થયા હતા.

આ દરમિયાન, ઇઝરાયલી લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા બંધકોનું સ્વાસ્થ્ય સારું છે. જોકે, તે બધાના માનસિક સ્વાસ્થ્યની તપાસ હજુ બાકી છે.

શુક્રવારે અગાઉ હમાસે કહ્યું હતું કે યુદ્ધવિરામ કરારના આગામી તબક્કામાં, તેઓ શનિવારે 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલી ચાર મહિલા સૈનિકોને મુક્ત કરશે. તેમણે કહ્યું હતું કે આ સૈનિકોને 7 ઓક્ટોબરના રોજ ગાઝા સરહદથી લગભગ એક કિલોમીટર દૂર નાહલ ઓઝ લશ્કરી મથકમાંથી બંધક બનાવવામાં આવ્યા હતા અને છેલ્લા 15 મહિનાથી હમાસની કસ્ટડીમાં હતા.

યુદ્ધવિરામ કરાર પછી બંને પક્ષો વચ્ચે આ બીજી આપ-લે છે. ચાર મહિલા કેદીઓની મુક્તિના બદલામાં, ઇઝરાયલ હવે પેલેસ્ટિનિયન કેદીઓના એક જૂથને તેની કેદમાંથી મુક્ત કરશે. આ કરાર 15 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે. આ કરાર પછી, ઘણા વિસ્થાપિત ગાઝાવાસીઓ તેમના ઘરે પાછા ફરી રહ્યા છે.

AFP સાથે વાત કરતા, ગાઝાના એક રહેવાસીએ કહ્યું કે જો અમે પાછા ફરવાનું વિચારીએ તો પણ, અમારા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અમારી પાસે તંબુ મૂકવા માટે પણ જગ્યા નથી. આજે ઘરોની જગ્યાએ કેબલનો ભંગાર છે.

૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ શરૂ થયેલા આ યુદ્ધને રોકવામાં ત્રણ દેશોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમાં કતાર, ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. આ ત્રણ દેશોએ મહિનાઓની વાટાઘાટો અને પ્રયાસો પછી યુદ્ધવિરામ કર્યો છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધવિરામનો સંપૂર્ણ શ્રેય પોતાને આપી રહ્યા છે.

આ યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કા અનુસાર, હમાસ ૩૩ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે અને બદલામાં ઇઝરાયલ તેની જેલોમાં બંધ લગભગ ૧૯૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. બાદમાં, આગામી તબક્કામાં યુદ્ધ સમાપ્ત થવાની વધુ આશા છે. તે ગાઝાના પુનર્નિર્માણ અને મૃત બંધકોના મૃતદેહો પરત કરવા વિશે વાત કરે છે.