યુદ્ધવિરામ કરાર બાદ હમાસે 3 મહિલા બંધકને મુક્ત કર્યા, ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા

israelisRelease

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયો છે. હમાસે સૌપ્રથમ ત્રણ મહિલા ઇઝરાયલી બંધકોને પરત કર્યા. સાત કલાક પછી, ઇઝરાયલે સોમવારે 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા.

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યા બાદ લોકો ખુશ છે. રવિવારે જ્યારે હમાસે ત્રણ મહિલા ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા, ત્યારે ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયનોને મુક્ત કર્યા. ઇઝરાયલના રામલ્લાહમાં આવેલી ઓફેર જેલમાંથી પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. જેમાં પેલેસ્ટાઇનના મુખ્ય સંગઠનના કાર્યકરો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલની જેલમાંથી પેલેસ્ટિનિયનોની મુક્તિ સમયે મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનો જેલની બહાર એકઠા થયા હતા. તેઓએ જેલમાંથી મુક્ત થયેલા પેલેસ્ટિનિયનોનું સ્વાગત કર્યું હતું. સફેદ બસોમાં લઈ જતા તેઓએ ફટાકડા પણ ફોડ્યા. ઇઝરાયલે પથ્થરમારો અને હત્યાના પ્રયાસ સહિત સુરક્ષા સંબંધિત ગુનાઓ માટે તે લોકોની અટકાયત કરી હતી. જોકે, પેલેસ્ટિનિયન કેદીઓને મુક્તિમાં વિલંબ માટે ઇઝરાયલની ટીકા કરી હતી. કેદીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલે જાણી જોઈને તેમના ઉજવણીઓ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઇઝરાયલી સેનાએ જાહેર ઉજવણીઓ સામે કડક ચેતવણી જારી કરી હતી.

ઇઝરાયલ દ્વારા મુક્ત કરાયેલા પેલેસ્ટિનિયનોમાં ઘણા પેલેસ્ટિનિયન વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. આમાં પેલેસ્ટિનિયન ડાબેરી જૂથ પોપ્યુલર ફ્રન્ટ ફોર લિબરેશન ઓફ પેલેસ્ટાઇનના વડા 62 વર્ષીય ખાલિદા જરારાનો સમાવેશ થાય છે. તેમને ડિસેમ્બર 2023 માં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હમાસના અધિકારી સાલેહ અરોરાની બહેન દલાલ ખાસીબ અને નેતા અહેમદ સાદતની પત્ની અબલા અબ્દેલ રસૂલનો પણ સમાવેશ થાય છે. હમાસે કહ્યું કે બંધકોના બદલામાં મુક્ત થનારા પેલેસ્ટિનિયનોના પહેલા જૂથમાં 69 મહિલાઓ અને 21 કિશોરોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસના હુમલાથી શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ લાખો લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. આ યુદ્ધ દરમિયાન ઘણા દેશોએ બંને દેશો વચ્ચે પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રહ્યું હતું. અંતે, ઇઝરાયલ 15 જાન્યુઆરીએ યુદ્ધવિરામ કરાર અને બંધકોને મુક્ત કરવા સંમત થયુ હતું.

અગાઉ, નવેમ્બર 2023 માં એક અઠવાડિયા લાંબા યુદ્ધવિરામ દરમિયાન, 100 થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઇઝરાયલ સંરક્ષણ દળના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હાગરીએ જણાવ્યું હતું કે આ ત્રણ મહિલાઓ 471 દિવસ પછી હમાસની કેદમાંથી પરત ફરી છે અને તેમને અને તેમના પરિવારોને અભિનંદન આપવામાં આવ્યા હતા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે સમગ્ર દેશ તમને ભેટે છે.

યુદ્ધવિરામ કરારમાં નક્કી કરવામાં આવ્યુ કે…
દરેક બંધકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે
કરાર મુજબ, ઇઝરાયલ દરેક બંધકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસ છ અઠવાડિયામાં કુલ 33 બંધકોને મુક્ત કરશે. આમાં મહિલાઓ, બાળકો, 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો, બીમાર અને ઘાયલોનો સમાવેશ થશે. આ વિનિમય રેડ ક્રોસ દ્વારા કરવામાં આવશે.

અંદાજ છે કે હમાસ અને ઇસ્લામિક જેહાદ પાસે 98 ઇઝરાયલી અને વિદેશી બંધકો છે, પરંતુ તેમાંથી લગભગ અડધા જ જીવિત છે. હમાસ પાસે કેટલાક બંધકોના મૃતદેહ હોવાના અહેવાલ છે, જે તે ઇઝરાયલને સોંપશે.