સૈફ અલી ખાન પર હુમલા મામલે ધરપકડ કરાયેલ શખ્સે હુમલો કર્યો નથીઃ મુંબઈ પોલીસ

saifalikhan-attacker

મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી છે કે ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે, હાલમાં જ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી દીધી છે કે જેની ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી.અત્યાર સુધી બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સૈફ કેસમાં નવા CCTV સામે આવ્યા છે. રાત્રે 1.37 વાગ્યાના CCTV ફૂટેજ છે, જેમાં આરોપી સીડીથી ઉપર ચઢતો જોઈ શકાય છે. ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે. આ હાઇપ્રોફાઈલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમને અલગ-અલગ કાર્ય મળ્યું છે. ચાલો, જાણીએ કે આ કેસને લઈને અન્ય કયાં નવાં અપડેટ્સ સામે આવ્યાં છે.

પોલીસે ભલે આરોપીને પકડ્યો ન હોય પરંતુ સીસીટીવી ફૂટેજ દ્વારા તેની ઓળખ થઈ છે. હવે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, હુમલા બાદ શંકાસ્પદ આરોપી બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસની ટીમો હુમલાખોરને વસઈ, નાલાસોપારા અને પાલઘર જિલ્લાના અન્ય વિસ્તારોમાં શોધી રહી છે.

મુંબઈ પોલીસ સવારે જે વ્યક્તિની અટકાયત કરી હતી તેનું નામ શાહિદ છે. પોલીસે ગિરગાંવના ફોકલેન્ડ રોડ પરથી ધરપકડ કરી હતી. શાહિદ વિરુદ્ધ અગાઉ હાઉસબ્રેકિંગના ચારથી પાંચ કેસ નોંધાયેલા છે. જોકે, આ વ્યક્તિની પૂછપરછ એક્ટરના કેસ સાથે જોડાયેલી નથી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે એક્ટરના કેસ મામલે જ આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. જોકે, મુંબઈ પોલીસે આ દાવાઓ ફગાવી દીધા છે અને સ્પષ્ટતા કરી છે કે ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી.