પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત જમીન કૌભાંડમાં 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનની સ્થાનિક કોર્ટે મહત્ત્વનો ચૂકાદો આપતાં ઈમરાનની પત્નીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઈમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે. કોર્ટે ઈમરાન અને તેની પત્નીને 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે.
રાવલપિંડીના ગેરીસન શહેરની જેલમાં ભ્રષ્ટાચાર વિરોધી અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યાં ખાન ઓગસ્ટ 2023 થી બંધ છે. ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની આ જેલમાં બંધ છે. કોર્ટે ઈમરાન અને બુશરા પર રૂ. 10 લાખ અને રૂ. 5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા તો બંનેને છ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.
નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ ડિસેમ્બર, 2023માં ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી, સહિત અન્ય છ વિરૂદ્ધ રાષ્ટ્રીય ખજાનાને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડિસેમ્બર, 2023માં અલ-કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય ખજાનાનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી અને અન્ય સાત લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ થયો હતો. અગાઉ ત્રણ વખત ચુકાદો સ્થગિત કરાયા બાદ જસ્ટિસ નાસિર જાવેદ રાણાએ અંતે સજાનો આદેશ આપ્યો હતો. ઈમરાન અને તેના પત્નીએ અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે મળી અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું હતું.
ભારે હોબાળો થઈ શકે છે
ગયા વર્ષે નવેમ્બરમાં, પાકિસ્તાનમાં ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવા માટે મોટા વિરોધ પ્રદર્શનો થયા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં હિંસા થઈ હતી અને હજારો પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. મે મહિનામાં બીજા વિરોધ પ્રદર્શન દરમિયાન, કાર્યકરો આર્મી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. હવે કોર્ટના નવા નિર્ણયને લઈને પણ આવા જ વિરોધ પ્રદર્શનો અને હિંસાની આશંકા છે.
અલકાદિર ટ્રસ્ટ કેસ 50 અબજનું સ્કેમ
- ઈમરાન ખાન અને બુશરા બીબીએ બહરિયા ટાઉન લિ.નો યુકેમાં ચાલતા કેસની પતાવટમાં મદદ કરવા બદલ અબજો રૂપિયા અને જમીન (અંગત લાભ) મેળવી હોવાનો આરોપ હતો. આ મામલે કોર્ટે ઈમરાનને સ્પષ્ટીકરણ આપવા માટે અનેક તકો આપી હોવા છતાં તે પોતાને નિર્દોષ સાબિત કરી શક્યા ન હતાં.
- પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસમાં 4 મહત્ત્વપૂર્ણ પાત્રો છે. ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબી, અબજપતિ જમીન માફિયા મલિક રિયાઝ અને બુશરાની મિત્ર ફરાહ ગોગી.
- પાકિસ્તાન સરકારનો આરોપ છે કે જ્યારે ખાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે મલિક રિયાઝને મની લોન્ડરિંગ કેસમાં ફસાવ્યા હતા. બ્રિટનમાં રિયાઝની અબજો રૂપિયાની સંપત્તિ જપ્ત કરાવી દીધી હતી. તેના એક સાથીની પણ લંડનમાં ધરપકડ કરાવડાવી દીધી હતી, જેની પાસેથી 40 અબજ પાકિસ્તાની રૂપિયા મળી આવ્યા હતા.
- 2019માં જ્યારે ઈમરાન ખાન વડાપ્રધાન પદે સત્તા પર હતાં, ત્યારે તેમણે કેબિનેટ પાસેથી યુકે ક્રાઈમ એજન્સી સાથે સેટલમેન્ટ કરવા મંજૂરી લીધી હતી. જો કે, તેમાં પોતાનો અંગત લાભ જાહેર કર્યો ન હતો. જેમાં સરકારી ખજાનાની રકમને કોર્ટમાં મલિક રિયાઝ વતી રજૂ કરવામાં આવી હતી.
- આ કેસ પછી બે સોદા થયા હોવાનો આરોપ છે. આ અંતર્ગત બ્રિટિશ સરકારે રિયાઝના સાગરીત પાસેથી વસૂલવામાં આવેલા પૈસા પાકિસ્તાન સરકારને પરત કર્યા હતા.
- થોડા સપ્તાહ બાદ ભ્રષ્ટાચાર વિરોધી તપાસ એજન્સીને અલ-કાદિર ટ્રસ્ટ મળી આવ્યુ હતું. તેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં 3 સભ્યો હતા. ઈમરાન ખાન, બુશરા બીબી અને ફરાહ ગોગી. જેના સભ્યો પીટીઆઈ નેતાઓ ઝુલ્ફી બુખારી, બાબર અવાન, બુશરા બીરી અને તેમના મિત્ર ફરાહ ખાન હતા. મલિક રિયાઝે ઈમરાન ખાનને યુકે સરકાર સામે લિગલ પ્રોટેક્શન બદલ શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરવા જમીન આપી હતી.
- મલિક રિયાઝે બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી. બદલામાં, રિયાઝ સામેના બધા કેસ બંધ કરવામાં આવ્યા હતા.
- ઈમરાનની ધરપકડના 2 કલાક પછી પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું- આ પાકિસ્તાનના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે. સરકારી તિજોરીને ઓછામાં ઓછા 50 અબજ રૂપિયાનું નુકસાન થયું. આમ છતાં, ઈમરાન કે બુશરા 13 મહિનામાં એક પણ વાર પૂછપરછ માટે આવ્યાં ન હતાં. 3 વર્ષમાં આ યુનિવર્સિટીમાં ફક્ત 32 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
- જિયો ન્યૂઝ અનુસાર, સમગ્ર મામલાને ધ્યાનમાં લેતા ઈમરાન ખાન અને તેમની પત્ની વિરુદ્ધ 1,955 કરોડ રૂપિયાની લાંચ લેવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
બુશરા બીબીના ઓડિયો લીકના કારણે ફસાયા ઈમરાન ખાન
- પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં મલિક રિયાઝ અને તેમની પુત્રી અંબરના એક ઓડિયો અંગે સમાચાર પ્રકાશિત થયા હતા. આ લીક થયેલો ઓડિયો 2 મિનિટ અને 17 સેકન્ડ લાંબો હતો. આમાં, રિયાઝ અને અંબર બુશરા સાથે લેનદેન અને કેટલીક ફાઇલ સેટલ કરવા વિશે વાત કરી રહ્યા હતા. આમાં, અંબર તેના પિતાને કહે છે કે ઈમરાનની પત્ની બુશરા બીબી 5 કેરેટની હીરાની વીંટી માંગી રહી છે. બદલામાં, તે ઈમરાન પાસેથી રિયાઝને કોન્ટ્રાક્ટ અપાવી દેશે અને તેની સામેનો કેસ પણ બંધ કરાવી દેશે.
- લીક થયેલી ટેપમાં થયેલી વાતચીત મુજબ, અંબર તેના પિતાને કહે છે- મેં ફરાહ ગોગી સાથે વાત કરી લીધી છે. તે કહી રહી છે કે બુશરા બીબીને 3 કેરેટનો નહીં પણ 5 કેરેટનો હીરો જોઈએ છે. વીંટી તે જાતે બનાવી લેશે, પણ આપણે તેના પૈસા ચૂકવવા પડશે. બુશરા અને ફરાહે ખાન સાહેબ સાથે વાત કરી લીધી છે. તે તરત જ બધી કોન્ટ્રાક્ટ ફાઇલોને મંજૂરી આપી દેશે. આના પર મલિક રિયાઝ કહે છે- કોઈ વાંધો નહીં. 5 કેરેટનો હીરો મોકલી દઇશું.
- એવું માનવામાં આવે છે કે કરારની આ સોદાબાજી અલકાદિર યુનિવર્સિટીની જમીન સંપાદન કર્યા પછી થઈ હતી.
2024ની સામાન્ય ચૂંટણીઓમાં આશ્ચર્યજનક રીતે સારા પ્રદર્શન બાદ ખાન અને તેમની પાર્ટી માટે આ નિર્ણય સૌથી મોટો ફટકો છે. તેમના ઉમેદવારોને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ફરજ પડી હતી. આ પછી પણ તેમને સૌથી વધુ સીટો મળી. ખાન, જે ઓગસ્ટ 2023 થી જેલમાં છે, એપ્રિલ 2022 માં સંસદીય વિશ્વાસ મતમાં પદ પરથી હટાવ્યા પછી ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગથી લઈને રાજ્ય વિરુદ્ધ હિંસા ભડકાવવા સુધીના ડઝનેક કેસોનો સામનો કરે છે.