કેન્દ્ર સરકારે લાંબા સમય પછી આખરે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં સરકાર આયોગના સભ્યોની નિમણૂક કરશે અને જાન્યુઆરી 2026થી તેનો અમલ પણ થઈ શકે છે. આયોગની ભલામણો લાગુ થયા પછી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે.
8TH PAY COMMISSION APPROVAL: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. ટૂંક સમયમાં જ આ માટે એક કમિટી બનાવવામાં આવશે અને 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી.
મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે એક સેન્ટ્રલ પે કમિશનને મંજૂરી આપી દીધી છે. એક સેન્ટ્રલ પે કમિશન. તમે બધા જાણો છો કે 1947 થી અત્યાર સુધી, 7 પગાર પંચ લાગુ થયા છે. વડા પ્રધાને કોઈપણ વિલંબ કર્યા વિના પગાર પંચની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. તે મુજબ, 2016માં છેલ્લું પગાર પંચ લાગુ થયું હતું, 2026માં તેની ટર્મ પૂરી થાય છે. તેના ઠીક પહેલા 2025માં 8મું પગારપંચ લાગુ કરવાથી પૂરતો સમય મળશે. જેથી ભલામણો નવા કમિશનને લાગુ થતા પહેલા સ્વીકારી શકાય. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમે ટૂંક સમયમાં નવા કમિશનમાં એક અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરીશું.
દર 10 વર્ષે પગારપંચ લાગુ કરવામાં આવે છે. એવી અપેક્ષા છે કે મોદી સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મા પગાર પંચનો અમલ કરશે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે. આ નિર્ણય સાથે, કર્મચારીઓના મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હશે કે હવે તેમના પગારમાં કેટલો વધારો થઈ શકે છે.
8મું પગારપંચ આવવાથી સેલરીમાં શું ફરક પડશે?
કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવું પગારપંચ લાવે છે. હાલમાં 7મું પગારપંચ ચાલી રહ્યું છે, એનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે 8મું પગારપંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે.
8મા પગારપંચના પગાર મેટ્રિક્સ 1.92ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે. એને આ રીતે સમજો- કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના 18 સ્તર છે. લેવલ-1 કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને ગ્રેડ પે 1800 રૂપિયા છે. 8મા પગારપંચ હેઠળ એને વધારીને 34,560 રૂપિયા કરી શકાય છે. એ જ રીતે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓને લેવલ-18 હેઠળ મહત્તમ 2.5 લાખ રૂપિયાનો બેઝિક પગાર મળે છે. આ વધીને અંદાજે 4.8 લાખ રૂપિયા થઈ શકે છે.
8મા પગારપંચ હેઠળ પગારવધારાને કારણે પેન્શનમાં કેટલો વધારો થશે?
જો 8મું પગારપંચ જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર 34,560 રૂપિયા થવાનો અંદાજ છે. જો આપણે વર્ષ 2004 ઉમેરીએ તો કર્મચારીઓની પ્રથમ બેચ કે જેમણે સેવામાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે તેઓ 2029માં નિવૃત્ત થશે.
હવે ધારો કે 8મું પગારપંચ લાગુ થયા પછી, લેવલ-1 કર્મચારીનો મૂળ પગાર 34,560 રૂપિયા થઈ ગયો છે, તો એની રકમનો 50% 17,280 રૂપિયા છે. આ મુજબ કર્મચારીને પેન્શન તરીકે 17,280 રૂપિયા + DRની રકમ મળશે. જોકે એ માત્ર ભાગ્યે જ કિસ્સાઓમાં હશે કે કર્મચારી, લેવલ-1 પર નોકરીમાં જોડાયા પછી નિવૃત્તિ સુધી એ જ સ્તર પર રહે છે. પ્રમોશન અને અન્ય નિયમો અનુસાર આ સ્તર સમયાંતરે વધતો રહે છે, તેથી કર્મચારીને પેન્શન તરીકે ઘણી વધુ રકમ મળશે. એ જ સમયે લેવલ-18 કર્મચારીઓનો મૂળ પગાર 4.80 લાખ રૂપિયા હશે. આ કુલ રૂ. 2.40 લાખની રકમના 50% + DR પેન્શન તરીકે આપવામાં આવશે.
છેલ્લું કમિશન ક્યારે રચાયું હતું?
આપને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન સરકારે 28 ફેબ્રુઆરી 2014 ના રોજ સાતમા પગાર પંચની રચના કરી હતી. રાજ્યો અને સરકારી કંપનીઓ સાથે ચર્ચા અને પરામર્શ પછી, કમિશને 19 નવેમ્બર 2015 ના રોજ સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો, ત્યારબાદ 1 જાન્યુઆરી 2016 થી 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું.