માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે 1.5 લાખ સુધીની મફત સારવાર; નીતિન ગડકરીએ કરી જાહેરાત

nitishGadkari

અકસ્માત થયાના 24 કલાકની અંદર પોલીસને જાણ કરવામાં આવે તો સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.

માર્ગ અકસ્માત પીડિતોને ભારત સરકાર મોટી રાહત આપવાની તૈયારી કરી છે. 7 જાન્યુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી છે. આ યોજના સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના માર્ગ અકસ્માતો પર લાગુ થશે. જેમાં કેન્દ્ર સરકાર ઘાયલ દર્દીની સારવાર માટે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની મફત સારવાર ઉપલબ્ધ થશે. જેના કારણે તે 7 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે.

મીડિયા અહેવાલો અનુસાર, ગડકરીએ કહ્યું છે કે જો અકસ્માત થયાના 24 કલાકની અંદર પોલીસને જાણ કરવામાં આવે તો સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. અકસ્માત પછી ઘાટલોને તરત જ નજીકની લિસ્ટેડ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. લિસ્ટેડ હોસ્પિટલની યાદી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે. તેમણે કહ્યું છે કે માર્ગ સલામતી એ સરકારની પ્રાથમિકતા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતના પીડિતોને સમયસર અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો છે, ખાસ કરીને “ગોલ્ડન અવર” દરમિયાન, જે અકસ્માત પછી બચાવ અને સારવાર માટેનો સૌથી મહત્વપૂર્ણ સમય છે.

જો હિટ એન્ડ રનની સ્થિતિમાં મૃત્યુ થાય છે, તો પીડિત પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર માર્ચ 2025 સુધીમાં કેશલેસ સારવાર યોજના લાગુ કરશે. તેને સમગ્ર દેશમાં લાગુ કરવા માટે સુધારા કરવામાં આવશે. આ માટે IT પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ પ્લેટફોર્મ માર્ગ પરિવહન વિભાગ, પોલીસ, હોસ્પિટલો અને રાજ્યની આરોગ્ય એજન્સીઓ વચ્ચે સંકલન બનાવશે. જેના કારણે આ યોજનાનો અમલ સરળ બનશે. આ માટે કેન્દ્ર સરકારની બે મોબાઈલ એપ eDAR અને NHAની મદદ લેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી છે કે 2024 માં, લગભગ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં 66% 18થી 34 વર્ષની વચ્ચેના યુવાનો હતા. તેમાંથી 30 હજાર મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા છે. જો સમયસર સારવાર આપવામાં આવી હોત તો આમાંથી ઘણા લોકોને બચાવી શકાયા હોત.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 14 માર્ચ, 2024ના રોજ માર્ગ અકસ્માત પીડિતોને ‘કેશલેસ’ સારવાર પૂરી પાડવા માટે એક પાયલોટ કાર્યક્રમ શરૂ કર્યો. ચંદીગઢમાં શરૂ કરાયેલા પાયલોટ કાર્યક્રમનો હેતુ માર્ગ અકસ્માત પીડિતોને સમયસર તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે વાતાવરણ બનાવવાનો હતો. ચંડીગઢમાં આ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તેને 5 રાજ્યોમાં લંબાવવામાં આવ્યો. જેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.

સરકારે ઓગસ્ટ 2024 માં માહિતી આપી હતી કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી-જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં અકસ્માતની તારીખથી મહત્તમ 7 દિવસ માટે ટ્રોમા અને પોલીટ્રોમા દેખભાળ સંબંધિત મહત્તમ રૂ. 1.5 લાખ સુધીના આરોગ્ય સારવાર પેકેજ આપવામાં આવે છે.

PIB પર જારી કરાયેલા પ્રકાશન અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળનું NHA સ્થાનિક પોલીસ, સૂચિબદ્ધ હોસ્પિટલો, રાજ્ય આરોગ્ય એજન્સી, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર અને સામાન્ય વીમા પરિષદ સાથે સંકલનમાં કાર્યક્રમ લાગુ કરવા માટે જવાબદાર છે.

ભવિષ્યમાં સુધારા
નીતિન ગડકરીએ વધુમાં માહિતી આપી હતી કે સરકાર વાણિજ્યિક ડ્રાઇવરો માટે કામના કલાકો નક્કી કરવા માટે શ્રમ કાયદાઓનો અભ્યાસ કરી રહી છે કારણ કે ડ્રાઇવરના થાકને કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. આ ઉપરાંત, માર્ગ પરિવહન મંત્રીએ ડ્રાઇવર તાલીમ સંસ્થાઓ માટે એક નવી યોજના શરૂ કરી જે સમગ્ર ભારતમાં સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થાઓને સ્થાપના માટે પ્રોત્સાહનો આપવામાં આવશે, સાથે ATS અને DTI ના સંયુક્ત માળખા માટે વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવશે.