અમદાવાદમાં જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ત્યારે આજે શહેરના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાને બંદૂકની અણીએ લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટારાઓ બિનધાસ્ત રીતે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ગુરૂવારે (2 ડિસેમ્બરે) ધોળા દિવસે જ્વેલર્સ પેઢીમાં બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી છે. બપોરનાં સમયે ચાર લૂંટારા હેલ્મેટ પહેરીને કનકપુરા જ્વેલર્સમાં ઘુસી ગયાં હતાં. જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો, જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનમાં હાજર તમામ લોકોને બંદૂકની અણીએ ધમકાવીને ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતાં. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
લૂંટના જે સીસીટીવી સામે આવ્યા છે એમાં લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. આ તમામ દાગીના લૂંટારાઓએ પોતાનાં ખિસ્સાં અને થેલીમાં ભરી લીધા હતા. પોલીસ પહોંચે તે પહેલા જ લૂંટારાઓ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે નાકાબંધી કરી લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવીની પણ તપાસ કરી રહી છે.