ફ્લાવર શોમાં આ વખતે VIP એન્ટ્રીની સુવિધા પણ મળશે
QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલપચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે
અમદાવાદમાં દર વર્ષે શિયાળા દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ફ્લોવર શો 2025નું ઉદ્ઘાટન આવતી કાલે 3 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે ફ્લાવર શોને અલગ-અલગ ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ સ્કલપચરથી લઈને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.
QR કોડ સ્કેન કરતા ફૂલ, સ્કલપચર અને ઝોન વિશેની માહિતી મળશે
આ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડની સુવિધા આપવામાં આવી છે. જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યકિત QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલપચર અને ઝોન વિશેની માહિતી મળી રહેશે.
ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનીયલ વોલ બનાવવામાં આવશે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ચાલુ વર્ષે 30થી વધુ એક્ઝોટીક (વિદેશી જાત) ફૂલો પણ જોવા મળશે. ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો ફુલછોડ-રોપા સહિતની ચીજ વસ્તુઓ પણ ખરીદી શકશે. સોવેનિયર શોપ પણ રાખવામાં આવી છે. તમામ કુલ છોડ અને જાતની માહિતી ક્યુ આર કોડ મારફતે મેળવી શકાશે.
12 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે 70 રુપિયા ચાર્જ
ફ્લાવર શોમાં ૧૨ વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. 12 વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર દરમ્યાન ટિકીટ 70 રુપિયા અને શનિ-રવિ દરમિયાન ટિકીટ 100 રૂપિયા રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવા આવે તેમાં પ્રવેશનો કોઈ ચાર્જ લેવાશે નહિ. જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવીને ફ્લાવર શો બતાવી શકશે.
VIP એન્ટ્રી માટે ચાર્જ 500 રુપિયા
આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો જોવા માટે VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 એમ આ બે કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી રૂ. 500 રહેશે. જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
લોકોની માગ હશે તો તારીખ લંબાશે
ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી એમ 20 દિવસ સુધી યોજાશે. ત્યારબાદ નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને લંબાવવામાં આવશે. ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન તેમજ સિવિક સેન્ટર ઉપરથી પણ લોકો મેળવી શકશે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામેના ભાગે પણ ફ્લાવર શો ટિકિટ માટેના ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે, જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ પણ મેળવી શકશે. ઓનલાઇન QR કોડ મારફતે પણ ઓનલાઇન ટિકિટ મેળવી શકશે.
ચાલુ વર્ષે 15 કરોડનો ખર્ચ કરાયો
વર્ષ-૨૦૨૪માં ફલાવર શોનું આયોજન કરવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૧૧.૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની તુલનામાં હવે રુપિયા ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ નાઈટ ફલાવરપાર્ક ડેવલપ કરાયો
રિવરફ્રન્ટ ખાતે પશ્ચિમ બાજુએ રિવરફ્રન્ટ ફલાવર પાર્કમાં 4500 સ્કેવરમીટર વિસ્તારમાં 3 કરોડના ખર્ચથી એલઈડી લાઈટસ સાથે રિવરફ્રન્ટ નાઈટ ફલાવર પાર્ક ડેવલપ કરવામાં આવ્યો છે. 54 જેટલા વિવિધ લાઈટીંગ એલીમેન્ટસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. વાઘ,સિંહ, જીરાફ ઉપરાંત ફાઉન્ટેન, કાર્ટુન કેરેકટર લાઈટીંગ વીથ ટેબલ ચેર જેવા આકર્ષણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.