જયપુરમાં LPG ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ થતા લાગી ભયંકર આગઃ 11 લોકોનું દાઝી જવાથી મોત, અજમેર હાઇવે પર 1 કિમી સુધી આગ ફેલાઇ, જુઓ વીડિયો

jaipur-lpg-tanker-blast

પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત

રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે સવારે અત્યાર સુધીનો સૌથી ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એલપીજી ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલ અથડામણને કારણે ફાટી નીકળેલી આગ એક કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. અકસ્માતનો હવાઈ નજારો જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે યુદ્ધના મેદાનમાંથી અગનગોળા નીકળતા હોય.

શુક્રવારે સવારે અજમેર હાઇવે પર LPGથી ભરેલું ટેન્કર અજમેર તરફથી જયપુર જઈ રહ્યું હતું. ત્યારે જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની પાસે જયપુર તરફથી આવી રહેલી એક ટ્રકે ગેસના ટેન્કરને ટક્કર મારતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનાં કારણે લાગેલી આગમાં 11 લોકોનું જીવતા દાઝી જવાથી મૃત્યું થયું હતું જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી.ટેન્કરમાંથી 18 ટન ગેસ લીકેજ થતા 200 મીટર દૂર સુધી ગેસ ફેલાઈ ગયો અને 200 મીટરનો વિસ્તાર ગેસ ચેમ્બર બની ગયો.

34 પેસેન્જર્સથી ભરેલી સ્લીપર બસ બળીને ખાખ થઈ
આ બ્લાસ્ટમાં 34 પેસેન્જર્સથી ભરેલી સ્લીપર બસ પણ બળીને ખાખ થઈ ગઈ છે. તેમાં સવાર 34 પેસેન્જર્સમાંથી 20 દાઝી ગયા છે. બસ અને ટ્રક સાથે હાઈવે પર અનેક ગાડીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાસ્થળે 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં રોડ પર ઉભેલાં તમામ વાહનો આગની લપેટમાં આવી ગયાં હતાં. આ પછી લગભગ એક કલાક સુધી વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.

ઘાયલોને જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં દાખલ કર્યા
પ્રાથમિક તપાસ મુજબ જે ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી હતી તેમાં કેમિકલ ભરેલું હતું. આગની જાણ થતાં ફાયરની 20 ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘાયલોને જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવમાં ઘણી મુશ્કેલી પડી હતી. પોલીસે વાહનોની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. આ નંબરો છે-9166347551, 8764688431, 7300363636.

જયપુરના ડીએમ જીતેન્દ્ર સોનીએ જણાવ્યું કે અકસ્માતને કારણે 40 જેટલા વાહનોમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને લગભગ 23-24 લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હવે માત્ર 1-2 વાહનો જ બચ્યા છે.

એસએમએસ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક મહેશ્વરીએ જણાવ્યું કે આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. 24-25 લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ દૂઃખ વ્યક્ત કર્યુ તેમજ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા ની કરી જાહેરાત
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ કરી દૂઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે “રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માતમાં જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.” તેમજ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી હતી.

સીએમ ભજનલાલ શર્મા પીડિતોને મળવા હોસ્પિટલ પહોંચ્યા
અકસ્માત બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પણ પીડિતોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડોક્ટરોને તાત્કાલિક જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને ઘાયલોની યોગ્ય કાળજી લેવા સૂચના આપી. સીએમએ કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે.

સીએમ ભજનલાલ શર્માએ દુખ વ્યક્ત કર્યું
સીએમ ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, જેમાં લખ્યું, ‘જયપુર-અજમેર હાઈવે પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોના જાનહાનિના દુઃખદ સમાચાર સાંભળીને મન ખૂબ જ દુઃખી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના પરમ ધામમાં સ્થાન આપે, શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ અને ઘાયલોને ઝડપથી સાજા થાય.’

મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય
ભારે દુઃખની આ ઘડીમાં અમારી સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં, ઘાયલોની યોગ્ય અને ત્વરિત સારવાર સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

હોસ્પિટલમાં 40 બેડનો બીજો વોર્ડ તૈયાર કર્યો
રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરે કહ્યું કે અમારા ગંભીર બર્ન વોર્ડમાં લગભગ 5 બેડ બાકી છે. અમે 40 બેડનો બીજો વોર્ડ તૈયાર કર્યો છે. પોલીસ અને પ્રશાસનની ટીમો ત્યાં સક્રિય છે. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં લાવવા માટે ટ્રાફિક કોરિડોર સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મહત્તમ લોકો પહેલાથી જ હોસ્પિટલ પહોંચી ગયા છે.

હાઇવેની નીચેથી પસાર થતી LPG ગેસ પાઇપલાઇનને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી
વિનાશક ઘટનાને પગલે, ઇમરજન્સી ક્રૂએ કામ કર્યું હોવાથી હાઇવે પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને લોકોને અન્ય માર્ગ અપનાવવાની સલાહ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ વધુ પ્રસરે નહીં તે માટે હાઇવેની નીચેથી પસાર થતી LPG ગેસ પાઇપલાઇનને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. અધિકારીઓ અકસ્માતના કારણે અને સંજોગોની તપાસ ચાલુ રાખી રહ્યા છે.