“વન નેશન-વન ઇલેક્શન” બિલ લોકસભામાં રજૂ: બિલનાં સમર્થનમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા

oneNation-oneElection-loksabha

સંસદના શિયાળુ સત્રના 17માં દિવસે આજે “વન નેશન-વન ઇલેક્શન” બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સૌપ્રથમ “વન નેશન-વન ઇલેક્શન” માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ બિલને ગૃહમાં રજૂ કરતાં જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો.

“વન નેશન-વન ઇલેક્શન” બિલ રજૂ કર્યા બાદ સાંસદોને તેના પર બોલવા માટે સમય આપવામાં આવ્યો હતો. ઘણા પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યા પછી, બિલને ફરીથી રજૂ કરવા માટે ઇલેક્ટ્રોનિક મતદાન થયું. પક્ષમાં 220 અને વિપક્ષમાં 149 મત પડ્યા હતા. બિલ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ થઈ રહ્યું હોવાથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો.

સ્પીકરે કહ્યું કે જે સભ્યો પોતાનો મત બદલવા માંગે છે, તેઓ પરચી લઈ લે. પરચી મતદાન થયા પછી સ્પીકર ઓમ બિરલાએ પરિણામો જાહેર કર્યા હતા. જેમાં આ બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા હતા.’ લોકસભામાં “વન નેશન-વન ઇલેક્શન” બિલ પર મતદાન થયા બાદ તેને જેપીસીને મોકલવામાં આવ્યું છે.

પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું- 2029 કે 2034માં એક સાથે ચૂંટણી શક્ય છે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે 129મું બંધારણીય સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે.

શિવસેના(શિંદે જૂથ)નું બિલને સમર્થન
શિવસેના(શિંદે જૂથ)ના સાંસદ શ્રીકાંત શિંદેએ વન નેશન, વન ઈલેક્શન બિલને સમર્થન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, ‘કોંગ્રેસ કોઈ પણ સુધારાને નફરત જ કરે છે.’ આ નિવેદન પછી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

તેલુગુ દેશમ પાર્ટીએ ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલને સમર્થન આપ્યું
એનડીએ સાથી ટીડીપીએ ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલને સમર્થન આપ્યું છે. TDP ફ્લોર લીડર લાવુ શ્રી કૃષ્ણ દેવરાયલુએ જણાવ્યું હતું કે, “અમે આંધ્રપ્રદેશમાં જોયું છે કે જ્યારે એકસાથે ચૂંટણી યોજાય છે, ત્યારે પ્રક્રિયા અને શાસનમાં સ્પષ્ટતા હોય છે. આ અમારો અનુભવ રહ્યો છે અને અમે ઇચ્છીએ છીએ કે આ સમગ્ર દેશમાં થાય.”

કોંગ્રેસ, સપા અને શિવસેના(ઉદ્ધવ જૂથ)નો વિરોધ
કોંગ્રેસે આજે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ વન નેશન, વન ઈલેક્શન બિલનો વિરોધ કરતા તેને બંધારણના મૂળભૂત માળખા પર હુમલો ગણાવ્યો હતો. સપાના વડા અખિલેશ યાદવે આ બિલનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ‘આ બંધારણને નષ્ટ કરવાનું ષડયંત્ર છે. અમે આ બિલનો સખત વિરોધ કરીએ છીએ.’ સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે “વન નેશન-વન ઇલેક્શન” બિલ દેશમાં તાનાશાહી લાવવાનો ભાજપનો પ્રયાસ છે. તો શિવસેના(ઉદ્ધવ જૂથ)ના સાંસદ અનિલ દેસાઈએ પણ આ બિલને સંઘીય માળખા પરના હુમલા સમાન ગણાવ્યું હતું. ઇન્ડિયન મુસ્લિમ લીગના સાંસદ ઈ.ટી. મોહમ્મદ બશીરે આ બિલનો વિરોધ કર્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસે કર્યો વિરોધ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ આ બિલને અલ્ટ્રા વાયરસ ગણાવીને જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ બિલ બંધારણ વિરોધી છે. આ બધું જ એક સત્તાધારી પાર્ટી કરે છે. આ કંઈ ચૂંટણી સુધારા નથી, પરંતુ એક વ્યક્તિની ભૂખ સંતોષવાનો પ્રયાસ છે.

એનસીપી (શરદ પવાર જૂથ)એ કર્યો વિરોધ
એનસીપી (શરદ પવાર જૂથ) સાંસદ સુપ્રિયા સૂલેએ જણાવ્યું હતું કે, ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ બંધારણ વિરોધી છે. તમે ચૂંટણી પંચને ચૂંટણી યોજવા માટે વિધાનસભા ભંગ કરવાનો અધિકાર આપી રહ્યા છો. આ બિલ સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવું જોઈએ.’

ઓવૈસીએ વિરોધ કર્યો
AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વન નેશન વન ઈલેક્શનનો વિરોધ કર્યો હતો. ઓવૈસીએ કહ્યું- આ સંઘીય માળખા પર હુમલો છે. રાજકીય લાભ ખાંટવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. તેનાથી પ્રાદેશિક પાર્ટીઓ ખતમ થઈ જશે.

ડીએમકેએ બિલ પર સવાલો ઉઠાવ્યા હતા
ડીએમકે સાંસદ ટીઆર બાલુએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે સરકાર પાસે બે તૃતિયાંશ બહુમતી નથી તો તેને આ બિલ લાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી. આ બાબતે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે મેં હજુ સુધી મંજૂરી આપી નથી. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે. સંસદ તેને મંજૂરી આપે છે, હું નહીં. ત્યારે ટીઆર બાલુએ કહ્યું કે સરકારે આ બિલ પાછું ખેંચી લેવું જોઈએ.

ચર્ચા માટે તમે ઈચ્છો તેટલા દિવસો મળશે – ઓમ બિરલા
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમામ વ્યવસ્થા પહેલા પણ કરવામાં આવી છે. જૂની પરંપરાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રીએ એમ પણ કહ્યું છે કે જેપીસીની રચના કરવામાં આવશે.જેપીસી દરમિયાન વ્યાપક ચર્ચા થશે અને પાર્ટીના તમામ સભ્યો હાજર રહેશે. જ્યારે બિલ આવશે ત્યારે દરેકને સંપૂર્ણ સમય આપવામાં આવશે અને વિગતો પર ચર્ચા કરવામાં આવશે. તમને ચર્ચા માટે જેટલા દિવસો જોઈએ તેટલા દિવસ આપવામાં આવશે.