એક પરિવારે બંધારણને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. આ પરિવારે 55 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. એટલે શું થયું એ જાણવાનો આપણને અધિકાર છે.
બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે, એટલે કે (14 ડિસેમ્બર) શનિવારે લોકસભામાં બંધારણ પર ચર્ચાના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યું કે “આપણા બધા અને તમામ દેશવાસીઓ માટે આ જ નહીં, વિશ્વના લોકતાંત્રિક દેશોના નાગરિકો માટે આ ગૌરવનો તહેવાર છે. લોકશાહીના પર્વને ગર્વ સાથે ઉજવવાનો આ એક અવસર છે.”
પીએમ મોદીએ કહ્યું કે આપણું બંધારણ પણ ભારતની એકતાનો આધાર છે. બંધારણની રચના પાછળ દેશના મહાન દિગ્ગજ, લેખકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. ઘણા ક્ષેત્રોના વ્યાવસાયિકો હતા. સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આપણું બંધારણ ભારતની એકતાનો આધાર છે. તેની રચનામાં સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નહેરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે એક પરિવારે બંધારણને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. હું આનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ પરિવારે 55 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. એટલે શું થયું એ જાણવાનો આપણને અધિકાર છે.
પીએમ મોદીએ કહ્યું, “આ પરિવારના ખરાબ વિચારો, ખરાબ નીતિઓ વગેરેની પરંપરા ચાલુ છે. આ પરિવારે દરેક સ્તરે બંધારણને પડકાર ફેંક્યો છે. 1947થી 1952 સુધી દેશમાં કોઈ ચૂંટાયેલી સરકાર નહોતી. અસ્થાયી વ્યવસ્થા હતી અને 1952 પહેલા ચૂંટણીઓ થઈ ન હતી અને રાજ્યસભાની રચના થઈ ન હતી, પરંતુ તે પછી પણ 1951નો વટહુકમ લાવીને બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવ્યો.”
પીએમ મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ મજબૂત પગલાં લઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓએ સંકલ્પ કર્યો છે કે જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું ત્યારે દેશને વિકસિત ભારત બનાવીશું. આ સંકલ્પની સફળતા માટે સૌથી મોટી જરૂરિયાત ભારતની એકતાની છે. દેશના મહાન દિગ્ગજ, લેખકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ બંધારણના નિર્માણમાં સામેલ હતા. ઘણા ક્ષેત્રોના વ્યાવસાયિકો હતા.
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે, ‘જ્યારે આપણે બંધારણના અમલના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ એક સારો સંયોગ છે કે એક મહિલા રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન છે, જે બંધારણની ભાવના અનુસાર પણ છે. . ભારતનો પ્રજાસત્તાક ભૂતકાળ વિશ્વ માટે પ્રેરણારૂપ રહ્યો છે અને તેથી દેશને લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે. અમારી સરકારના નિર્ણયોમાં ભારતની એકતાને મજબૂત કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે, કલમ 370 એકતામાં અવરોધ હતો અને તેથી અમે તેને જમીનમાં દફનાવી દીધો હતો.”
વડા પ્રધાને કહ્યું કે મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું છે કે બંધારણ ઘડનારાઓના મનમાં એકતાની ભાવના હતી, પરંતુ આઝાદી પછી દેશની એકતાની મૂળ ભાવના પર હુમલો થયો અને ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકો વિવિધતામાં એકતાને બદલે વિરોધાભાસ શોધતા રહ્યા. પીએમ મોદીએ કહ્યું કે બંધારણની એકતાની ભાવના અનુસાર અમે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર ઘણો ભાર આપ્યો છે અને હવે ગરીબ પરિવારના બાળકો માતૃભાષામાં અભ્યાસ કરીને ડોક્ટર અને એન્જિનિયર બની શકશે.