સંભલમાં જ્યાં હીંસા થઇ ત્યાં તપાસ દરમિયાન 46 વર્ષ જૂનું મંદિર મળ્યુ, મંદિરની અંદર હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિ સ્થાપિત

sambhal-temple

ગેરકાયદે અતિક્રમણ અને વીજળી ચોરી ચેકિંગ દરમિયાન મળ્યુ મંદિર, પોલીસે ભારે સુરક્ષા વચ્ચે ખોલ્યું તાળું

સંભલના નખાસા ચારરસ્તા વિસ્તારમાં વીજળી વિભાગ અને વહીવટીતંત્રની ટીમ વીજ ચોરીની તપાસ માટે ગયા હતા. આ દરમ્યાન દીપા રાય વિસ્તારમાં પહોંચેલી પોલીસને જે જોવા મળ્યું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા. તપાસ દરમ્યાન 46 વર્ષથી બંધ એક મંદિર મળી આવ્યુ છે, જે વર્ષ 1978નું હોવાનું કહેવાય છે. મંદિરની અંદર હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિ સ્થાપિત છે.

મંદિરના દરવાજા ખુલતાની સાથે જ લોકોએ જય શ્રી રામ અને જય હનુમાનના નારા લગાવ્યા હતા. પોલીસે ભારે સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ રીતે મંદિરનું તાળું ખોલ્યું હતું અને સ્થળની સફાઈ કરવામાં આવી હતી. પ્રશાસને આ મંદિરમાં હિન્દુ સમુદાયને પૂજા કરવાની પરવાનગી આપી છે. પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. હિંદુ સમુદાયના લોકોએ મંદિર ખુલવા પર ખુશી વ્યક્ત કરી છે.

ગેરકાયદે અતિક્રમણ અને વીજળી ચોરી સામે ડીએમ અને એસપીના સંયુક્ત દરોડામાં આ મંદિર મળી આવ્યું છે. પ્રશાસને આ મંદિર ફરી ખોલ્યું છે. લોકોનો દાવો છે કે અહીં આસપાસના વિસ્તારમાં અનેક મંદિરો પર કબ્જો કરવામાં આવ્યો છે.

સંભલ હિંસા બાદ તાજેતરમાં બદમાશો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ વીજળી ચોરીની હાલત જોઈને ગુસ્સે થઈ ગયા હતા. વાસ્તવમાં, વીજળી વિભાગના અધિકારીઓએ એસપીને જણાવ્યું હતું કે જ્યારે અમે ચેકિંગ માટે જઈએ છીએ, ત્યારે દબંગ લોકો અમને ધમકી આપે છે. જોઈ લેવાની ધમકી આપે છે. આ વાત સામે આવ્યા બાદ પોલીસ અને પ્રશાસને ગેરકાયદેસર અતિક્રમણ અને વીજળી ચોરી સામે મોટી કાર્યવાહી શરૂ કરી હતી.

આ કાર્યવાહી દરમ્યાન શનિવારે સવારે પોલીસ ત્યારે આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે દીપા રાય વિસ્તારમાં ચેકિંગ દરમિયાન તેમને અચાનક એક મંદિર મળ્યું જે વર્ષ 1978નું હોવાનું કહેવાય છે. ત્યારબાદ ડીએમ એસપી અને ભારે પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાર બાદ પોલીસકર્મીઓએ શિવલિંગની સફાઈ કરી હતી.

ડીએમ સંભલ રાજેન્દ્ર પાંસિયાએ જણાવ્યું કે મુસ્લિમ વસ્તીની વચ્ચે બંધ મંદિર પાસે એક પ્રાચીન કૂવો હોવાની માહિતી પણ મળી છે. કૂવો ખોદવામાં આવી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારમાં થયેલા અતિક્રમણને પણ તોડી પાડવામાં આવશે.

એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે આ મંદિર 1978થી બંધ હતું. 46 વર્ષથી બંધ આ મંદિર સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરથી માત્ર 200 મીટર દૂર છે.

આ મામલાને લઈને એડિશનલ એસપી શ્રીશ ચંદ્રાએ કહ્યું, ‘ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક લોકોએ મકાનો બનાવીને મંદિર પર કબજો કરી લીધો છે. મંદિરની સફાઈ કરવામાં આવી છે અને મંદિરમાં અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એક સમયે આ વિસ્તારમાં હિન્દુ પરિવારો રહેતા હતા અને કેટલાક કારણોસર તેઓએ આ વિસ્તાર છોડી દીધો હતો.

નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગીએ સમાચાર એજન્સી ANIને કહ્યું, “અમે ખગ્ગુ સરાઈ વિસ્તારમાં રહેતા હતા. અમારી પાસે એક ઘર છે (ખગ્ગુ સરાઈ વિસ્તારમાં. 1978 પછી, અમે ઘર વેચી દીધું અને જગ્યા ખાલી કરી. આ ભગવાન શિવનું મંદિર છે. અમે આ વિસ્તાર છોડી દીધો અને અમે આ મંદિરની સંભાળ રાખી શક્યા નહીં. આ જગ્યાએ કોઈ પુજારી રહેતો નથી. 15-20 પરિવારોએ આ વિસ્તાર છોડી દીધો. અમે મંદિર બંધ કરી દીધું હતું કારણ કે પૂજારીઓ અહીં રહી શકતા ન હતા. પૂજારીની અહીં રહેવાની હિંમત ન હતી. મંદિર 1978 થી બંધ હતું અને આજે તે ખોલવામાં આવ્યું છે.” વિષ્ણુ શરણ રસ્તોગીએ કહ્યું કે તેમના ભત્રીજાએ આ મંદિરને તાળું મારી દીધું હતું. તેમણે કહ્યું કે પોલીસની મહેરબાનીથી આ મંદિર ખુલ્લું છે.

આ વિસ્તારમાં અતિક્રમણને કારણે મંદિર પર કબજો જમાવી લેવામાં આવ્યો હતો પરંતુ હવે પોલીસ પ્રશાસને અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરીને આ જગ્યાને બુલડોઝ કરી દીધું અને પછી આ મંદિરની શોધ થઈ. મંદિર પાસે એક કૂવો અને પીપળનું ઝાડ પણ હતું. સંભલના એસડીએમ વંદના સિંહે જણાવ્યું હતું કે પ્રશાસનની ટીમ શનિવારે સવારે અહીં પહોંચી હતી જ્યારે વીજળી ચોરી વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આ મંદિર પ્રકાશમાં આવ્યું. આ પછી ડીએમને જાણ કરવામાં આવી અને મંદિરના તાળા ખોલવામાં આવ્યા.

તમને જણાવી દઈએ કે સંભલમાં ડીએમ, એસપી અને એએસપીની સાથે ભારે પોલીસ ફોર્સ અને વિજળી વિભાગની અલગ-અલગ ટીમોએ શનિવારે સવારના અંધકારમાં સમગ્ર વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી. જ્યાં કાર્યવાહી દરમિયાન પાણીની ટાંકીઓમાં મોટા ઈલેક્ટ્રીક હીટર અને ગરમ પાણીના સળિયાને કારણે સેંકડો ઘરોમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. આ સાથે વિસ્તારની ત્રણ મસ્જિદોની અંદર જતા વીજ વાયરો દ્વારા પણ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી રહી હતી. એસપી કેકે બિશ્નોઈ અને ડીએમએ મસ્જિદમાંથી વીજળીની ચોરીની પુષ્ટિ કરી છે.