ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન, સંગીતની દુનિયામાં શોક છવાયો

purushottam upadhyay

ગુજરાતનું ગૌરવ સમા ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે મહોમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર, લત્તા મંગેશકર અને બેગમ અખ્તર જેવા આલા દરજ્જાના ગાયકો પાસે પોતે સ્વરાંકન કર્યા હોય તેવા ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા.

ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું દુઃખદ નિધન થયું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયે 90 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી ગુજરાતી સંગીત જગતમાં શોક છવાયો છે. સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે એક દંતકથા જેવું નામ છે જેમણે ‘દિવસો જુદાઈના જાય છે’ અને ‘કહું છુ જવાની ને’ જેવા ગીતાને સ્વર આપીને અમર બનાવી દીધા છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો.

પુરુષોત્તમ ઉપાધ્યાયે 20 ફિલ્મો ઉપરાંત 30થી વધુ નાટકોમાં પોતાનું સંગીત આપ્યું છે. બોલિવૂડ સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય પણ મ્યૂઝિક આપતા. લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા સિંગર્સે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે કામ કર્યું હતું.પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલા ગુજરાતી ગીતોના સ્વરાંકન ભારતની સરહદો વટાવીને વિશ્વના ખુણે-ખુણે વસતા ગુજરાતીઓના હ્રદયમાં રણઝણે છે.

ગુજરાત સરકારે પુરુષોત્તમ ઉપાધ્યાયને ગૌરવ પુરસ્કારથી સન્માન્યા હતા. જ્યારે 2017માં પુરુષોત્તમ ઉપાધ્યાયને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ સંગીત નાટ્ય અકાદમી દ્વારા તેમને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે અર્પણ કરવામાં આવે છે, પરંતુ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે પુરુષોત્તમ ઉપાધ્યાય દિલ્હી જઈ શકે તેમ નહતા. જેથી અકાદમીના પ્રમુખે પુરુષોત્તમ ઉપાધ્યાયના ઘરે જઈને તેમને એવોર્ડ અર્પણ કર્યો હતો.

પાકિસ્તાન જવાની ના પાડી હતી
પુરુષોત્તમ ઉપાધ્યાયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ટોરેન્ટોમાં મેંદી હસનના ભત્રીજા સૌહેલ રાણાએ મને સવાલ કરેલો કે ઉપાધ્યાયજી આપ ઉર્દૂ બડા અચ્છા ગાતે હો…આપ ગુજરાતી છોડકે ઉર્દૂ ક્યૂં નહીં ગાતે, હમ આપકો પાકિસ્તાન લે જાયેંગ ઔર ઢેર સારા પૈસા દિલાયેંગે…ત્યારે મેં તેને કહ્યું હતું કે ગુજરાતી ભાષા એ મારી મા છે. મારી માને હું ખૂણામાં મૂકી શકુ તેમ નથી. બીજી ભાષાને માસી કહેવા તૈયાર છું પણ તે મા તો નથી જ.