અમદાવાદમાં હેલ્મેટ ફરજિયાત: ત્રણ વખત હેલ્મેટ વગર પકડાય તો લાઈસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થશે, અત્યાર સુધી 850 લાઈસન્સ સસ્પેન્ડ

helmet-drive

અમદાવાદ શહેરમાં ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવું આવશ્યક હોવા છતાં કેટલાય લોકો હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ મામલે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કર્યા બાદ હવે છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં કડક હેલ્મેટ ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકો વિરુદ્ધ કડક પગલા લઈ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેમાં માથા ઉપર વાગવાથી લોકોનાં જીવ જોખમમાં મુકાઈ શકે છે. ખાસ કરીને માથાના ઇજાઓને કારણે જીવને જોખમ ઓછું કરવા પગલાં લેવામાં આવ્યા છે. ટુ-વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને હેલ્મેટ પહેરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદ શહેરમાં કડક હેલ્મેટ ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકો વિરુદ્ધ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ જિલ્લામાંથી 3000 લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આરટીઓને જણાવવામાં આવ્યું છે. જેમાંથી 1400 લોકોએ GJ-01 એટલે કે અમદાવાદ આરટીઓ અંતર્ગત લાઇસન્સ રજીસ્ટર કરાવેલા હતા. તેમાંથી 850 લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તથા અમદાવાદ આરટીઓ જે.જે.પટેલના જણાવ્યા અનુસાર આગામી 7થી 10 દિવસમાં બાકીના તમામ લોકોના પણ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

શહેરમાં ત્રણ મહિનાથી અનિશ્ચિત સમય સુધી ટ્રાફિક-પોલીસની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ ચાલી રહી છે. હવેથી જો કોઇ વાહનચાલકે હેલ્મેટ પહેર્યું નહીં હોય તો પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. વહેલી સવારે કે મોડીરાતે પણ જો કોઇ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વગર પકડાશે, તો ટ્રાફિક-પોલીસ તેમને દંડ કરશે અને તેમનુ લાઇસન્સ સસ્પેન્ડ કરશે. સામાન્ય રીતે પોલીસની ડ્રાઇવ થોડા દિવસો પૂરતી હોય છે, પરંતુ આ વખતે જ્યાં સુધી શહેરમાં ટુ-વ્હીલર ચલાવતા વાહનચાલકો હેલ્મેટ નહીં પહેરે ત્યાં સુધી આ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.

ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે પોલીસ 1500 બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ છે. આ કેમેરાથી વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે કોઈ વિવાદ થાય તો તેનો પાયો પુરવાર કરવો સરળ બને છે.કડક પગલાંને કારણે ટુ-વ્હીલર ચાલકો હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા મજબૂર થશે, અને શહેરમાં માર્ગ સલામતીની સ્થિતિ સુધરશે.