આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બસમાં કુલ 40 મુસાફરો હોવાનું કહેવાય છે. જેમાંથી 8 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા છે.
ઉત્તરપ્રદેશના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ-વે પર ઔરૈયા બોર્ડર પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બપોરના સમયે ખાનગી કંપનીની એક સ્લીપર બસ ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે આટલો મોટો અકસ્માત થયો. અકસ્માત સમયે બસમાં 40 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લખનઉથી દિલ્હી જઈ રહેલ ડબલ ડેકર સ્લીપર બસ અચાનક કાબુ બહાર થઈ જતા ટેન્કર સાથે અથડાઈને પલટી ગઈ હતી. અકસ્માતને પગલે બસના મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત બાદ જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. આખી બસ એક બાજુથી ચકનાચૂર થઈ ગઈ હતી. જોરદાર આંચકા સાથે લોકો રસ્તા પર પડી ગયા હતા. બસ પલટી જતાં લોકો તેની નીચે દબાઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતા નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળ્યા બાદ યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેને બચાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા. હાલ રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રસ્તો સાફ થઈ ગયો છે.
ઘટનાની જાણ થતા ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુપીના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ ઘાયલોની મદદ માટે રોકાયા હતા. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને સૈફઈ મેડિકલ કોલેજ અને તિરવા મોકલવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 6 થી વધીને 8 થયો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘાયલોની સંખ્યા 19 છે. હાલ બચાવ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી રહી છે.
