એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફટવાનાં કારણે વિસ્ફોટ થયો હોવાનું અનુમાન
અંકલેશ્વર GIDCમાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે બપોરના સમયે GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટડ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે બીજા અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. આજે કંપનીના પ્લાન્ટમાં ફિડ ટેન્ક પર રેલીંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. રેલીંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 4 કામદારોના મોત અને 4 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી.

ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધી છે.
મળતી માહિતી અનુસાર એમ. ઇ. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ એ સમયે ફાટ્યો હતો જ્યારે એક રાસાણિક પ્રોસેસ થઇ રહી હતી. આમ, પ્રાથમિક તપાસમાં રાસાયણિક પક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ પુછપરછ દ્રારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.