શું તમારી પાસે એક કરતાં વધારે પાન કાર્ડ છે ? શું તમે માહિતી આપવા માટે ખોટા પાન નંબરનો ઉપયોગ કરો છો? તો આ ગુનો બને છે અને તેના માટે વ્યક્તિને જેલ અથવા ભારે દંડ ભરવો પડી શકે છે.
કેન્દ્ર સરકારે PAN 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. પાનકાર્ડ 2.0 તમામ કરદાતાઓને મફતમાં આપવામાં આવશે. નવા PAN કાર્ડમાં સ્કેનિંગ ફીચર હશે, જેની સાથે QR કોડ જોડાયેલ હશે. QR કોડ વડે PAN વેરિફિકેશન સરળ બનશે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.
PAN 2.0 પ્રોજેક્ટ વિશેની માહિતી માટેના આર્ટિકલ લિંક પણ આ અહેવાલના અંતમાં મળી રહેશે. હવે જેમની પાસે ડુપ્લીકેટ પાન કાર્ડ છે. તેઓએ સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે PAN 2.0 ની વિશેષતાઓને કારણે, ડુપ્લિકેટ PAN ધરાવતા લોકોને પકડવાનું ખૂબ જ સરળ બની રહે છે.
2 પાનકાર્ડ રાખવા ગેરકાયદેસર
કાયદા અનુસાર, વ્યક્તિ પાસે ફક્ત એક જ પાન કાર્ડ હોવું જોઈએ. એકથી વધુ પાન કાર્ડ રાખવાને ગેરકાયદેસર ગણવામાં આવે છે. આવકવેરા વિભાગ દ્વારા આવા લોકો અથવા સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે જેલ અથવા ભારે દંડ ભરવો પડી શકે છે.
કેટલો દંડ ભરવો પડશે
એક રિપોર્ટ અનુસાર એક કરતાં વધારે પાન કાર્ડ અને ખોટો પાન નંબર બંને ગુનો છે. જો કોઈ વ્યક્તિ પાસે ડુપ્લિકેટ પાન નંબર હોવાની માહિતી મળશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈઓ અનુસાર કોઈ પણ વ્યક્તિ એકથી વધુ PAN રાખી શકે નહીં.
PAN 2.0 માં ડાયનેમિક QR કોડ જેવા ઈન બિલ્ટ સિક્યોરિટી મીજર્સ છે જે આપમેળે ડુપ્લિકેટ PAN કાર્ડ તેમજ પૂરી પાડવામાં આવેલ કોઈ પણ ખોટી માહિતીને શોધી કાઢશે.
જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ PAN ધરાવે છે, તો તેણે તેના અધિકારક્ષેત્રના અધિકારીનો સંપર્ક કરીને અથવા ઈ-ફાઈલિંગ ITR પોર્ટલની ‘PAN સ્ટેટસ ચેક’ સુવિધાનો ઉપયોગ કરીને તેની પાસે ડુપ્લિકેટ PAN છે કે નહીં તે શોધી શકે છે. ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર PAN સ્ટેટસ ચેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. વ્યક્તિએ વધારાના PAN ડિએક્ટિવ કરવાની પ્રક્રિયા કરી પડશે.
જો તમારી પાસે એક કરતા વધુ પાન કાર્ડ છે, તો તમારું બીજું પાન કાર્ડ ડુપ્લિકેટ છે. જો તમે તેને સરકારને પરત નથી કરતા તો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 272B મુજબ તમારા પર 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કે જેમની પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ છે તેમણે તેને NSDL અથવા UTIITSLને સોંપવું જોઈએ.