Jharkhand CM: હેમંત સોરેન ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, શપથ સમારોહમાં મંચ પર ‘INDIA’ ગઠબંધનના નેતાઓ રહ્યા હાજર

hemant-soren

ઝારખંડના 14માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા, પીએમ મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા

JMM નેતા હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના CM બન્યા છે. રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ સંતોષ ગંગવારે હેમંત સોરેનને ઝારખંડના 14માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ‘INDIA’ ગઠબંધનની 10 પાર્ટીઓના 18 મોટા નેતાઓએ હાજરી આપી હતી. જેમાં રાહુલ ગાંધી, પં. બંગાળના મમતા બેનર્જી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા.

હેમંત સોરેન ચોથીવાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રાજ્યપાલ સંતોષ ગંગવારે હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે 6 થી 8 મંત્રીઓના પણ શપથ લેવાની ચર્ચા હતી, પરંતુ એવું થયું નહીં. રાંચીના મોરહાબાદી મેદાનમાં મુખ્યમંત્રીની સાથે કોઈ મંત્રીએ શપથ ન લીધા. હેમંતના શપથ ગ્રહણમાં તેમના પિતા અને ત્રીજી વખતના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેન પણ હાજર રહ્યા.

બપોરે 3 વાગ્યે હેમંત સોરેન તેમના પિતા શિબુ સોરેનનો હાથ પકડીને કાર્યક્રમના સ્થળે લઈ ગયા. શપથ લેતા પહેલા હેમંતે કહ્યું, ‘આજનો દિવસ ઐતિહાસિક દિવસ હશે. આપણી એકતા એ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. આપણે ન તો વિભાજિત થઈ શકીએ કે ન તો ખુશ થઈ શકીએ. અમે ઝારખંડી છીએ, અને ઝારખંડીઓ નમતા નથી.

હેમંત સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ‘INDIA’ બ્લોકના નેતાઓ પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.

ઝારખંડના નલા મુખ્યમંત્રી બનવા બદલ પીએમ મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં JMM, કોંગ્રેસ, આરજેડી અને લેફ્ટની સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા હતા. JMMની આગેવાની વાળા ગઠબંધનને 56 બેઠકો પર જીત મળી હતી. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સભ્યો છે અને બહુમતી માટે 41 બેઠકો જરૂરી છે. ત્યારે ‘INDIA’ બ્લોકનો નંબર બહુમતી માટે જરૂરી આંકડા કરતા પણ 15 વધુ છે. JMMને એકલાને 34 બેઠકો મળી છે, કોંગ્રેસને 16, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને ચાર, લેફ્ટને બે બેઠકો પર જીત મળી હતી.