અમદાવાદમાંથી ઝડપાયો નકલી IAS અધિકારી, પોતાની ખોટી ઓળખ આપી લોકો પાસેથી લાખો રુપિયાની ઠગાઈ કરી

fake-IAS---mehulShah

ગુજરાતમાં નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ટોલનાકું, નકલી પોલીસ, નકલી જજ, નકલી કોર્ટ બાદ હવે નકલી આઈએએસ અધિકારી ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નકલી આઈએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ નકલી આઈએએસ ઓફિસર લોકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા એંઠતો હતો.પોતાને અમદાવાદની અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને આઈએએસ તરીકે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો હતો. જોકે, ભાંડો ફટતા મેહુલ શાહની પોલીસે ધરપકડ કરી છે. આરોપી મેહુલ શાહે ફક્ત કાર ભાડે આપનારને જ નહીં અન્ય લોકોને પણ છેતર્યા હોવાની માહિતી મળી હતી.

મેહુલ શાહે કલી લેટર દેખાડી અને ખોટા વાયદાઓ કરી લોકોને ઠગ્યા હતા. એક વ્યક્તિને તેના પુત્રને અસારવાની સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી લગાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર પણ આપ્યો હતો તેની ખરાઇ કરતા તે ખોટો હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં આવેલ અસારવાની વિશ્વ વિદ્યાલયમાં મેહુલ શાહે અનેક કાંડ કર્યા છે. શાળામાં આવીને મેહુલ શાહ મોટી શેખી કરતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને NASA બેંગ્લુરુ, લખનૌ લઈ જવાની લાલચ આપતો હતો. નવા સાયન્સ લેબ બનાવી આપવાનું કહી ફર્નીચર વેચ્યું છે. જૂની લેબનું ફર્નીચર જ બારોબાર વેચી માર્યું છે. આ મેહુલ શાહે સ્કૂલમાં સાયન્ટીસ્ટ તરીકે ઓળખ આપી પ્રવેશતો અને સંચાલકોને વિશ્વાસમાં લેવા વિજ્ઞાનના પ્રયોગો પણ કરતો. વિશ્વ વિદ્યાલયને 35 કરોડમાં ખરીદી હોવાની ડંફાસ મારતો આ સાથે બોપલની એક શાળા 100 કરોડથી વધુમાં ખરીદીની વાતો કરતો હતો. દ.ભારતમાં બાપ-દાદાના ચાના બગીચા હોવાની પણ ફેંકતો હતો. મહાઠગે શાળાના સંચાલકને પણ 10 લાખનો ચૂનો ચોપડ્યો છે. આ ફેંકૂબાજે જિલ્લા શિક્ષણ અધિકારીને કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટના નામે અંજાવ્યા છે.

અમદાવાદના પાલડીમાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહુલે પોતે આઈએએસ ઓફિસર હોવાની ઓળખ આપીને ડ્રાઇવર સાથે ગાડી ભાડેથી માંગી હતી. ત્યાર બાદ કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. ત્યારે મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.

ત્યાર બાદ આરોપી મેહુલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયુ હોવાનું કહીને બીજી ગાડી ભાડે માંગી હતી. પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માંગતા આરોપી મેહુલે ખોટો લેટર પણ આપ્યો હતો. ત્યારબાદ ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને ૯૦ હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં મેહુલ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. મેહુલ શાહ ખરેખરમાં એન્જીનિયર છે અને મોરબીના વાંકાનેરમાં બે શાળાઓનું પ્રબંધન જુએ છે.

આ અંગે પોલીસ ઇન્સપેકટર જે. કે. મકવાણાએ જણાવ્યું કે, મેહુલ શાહે આઈએએસ તરીકે રોફ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને તેમજ અલગ અલગ લાલચ આપીને લોકો પાસેથી નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ ૨૦૧૮થી વાંકાનેરમાં જ આઇએએસના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે.

લીસે એવું પણ જણાવ્યું કે, આરોપીએ છેતરપિંડી માટે નકલી વર્ક પરમિટ અને એનઓસી પણ બનાવ્યા હતા. તેણે લોકોને છેતરવા માટે ગૃહ મંત્રાલય અને અમદાવાદ ડીઈઓના નકલી લેટર પણ બનાવડાવ્યા હતા. પોલીસને આરોપી પાસેથી નકલી ઓળખ પત્ર અને નકલી દસ્તાવેજો મળી આવ્યા છે. જેના પર ભારત ગૌરવ રત્નશ્રી પરિષદ, વિજ્ઞાન એવમ અનુસંધાન વિકાસ વિભાગના અધ્યક્ષ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને રોડરસ્તા અને ભવન વિભાગ જેવા ટાઈટલો લખેલા છે. પોલીસે લોકોને સાવચેત કરતા કહ્યું કે, જો આ આરોપીએ અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે તો તેઓ સામે આવે અને આ આરોપી વિરૂદ્ધ પોતાની ફરિયાદ દાખલ કરાવે.