અમદાવાદનાં બોપલ વિસ્તારમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહની પંજાબથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસે આજે ઘટના સ્થળે જઈ આરોપીનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતુ. હવે આ કેસમાં એકબાદ એક મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.
11 નવેમ્બરે મોડી રાત્રે બોપલમાં થયેલી MICA વિદ્યાર્થીની હત્યા કેસમાં આજે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ, આ કેસને લઇને આજે બપોરે પોલીસ ટીમ કાફલા સાથે આરોપીને લઇને બોપલ પહોંચી હતી, આ દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ સતત રડતો હતો, અને પોતાની ગુનાની માફી માંગી રહ્યો હતો. વિદ્યાર્થીની હત્યા કરી તેના પર અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ખુલ્લા પગે અને ટીશર્ટમાં જોવા મળ્યો હતો, અને તેને દોરડા સાથે બાંધીને બોપલના રસ્તાં પર ફેરવવામાં આવ્યો હતો. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાના પુરવાઓ વધુ મજબૂત રીતે એકત્રિત કર્યા હતા.
પોલીસ અધિકારીઓ આરોપી વિરેન્દ્રસિંહ પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી લઇ રહ્યાં છે, જેમાં કઇ રીતે કાર ચલાવી, કેટલી સ્પીડમાં કાર હતી, વિદ્યાર્થીઓ સાથે કઇ રીતે માથાકૂટ થઇ, ચપ્પૂના ઘા ક્યાં અને કેવી રીતે માર્યા. ત્યાં તે સમયે કોણ કોણ હતુ વગેરે વગેરે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પોલીસ સ્ટાફની સામે રડતો દેખાઇ રહ્યો હતો.
ખુલાસામાં સામે આવ્યુ હતુ કે આરોપી વિરેન્દ્ર સિંહની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હાજર હતો. હત્યા કર્યા બાદ છરી રસ્તામાં અવરું જગ્યાએ નાખી પોતાના ઘરની પાસે ગાડી પાર્ક કરી ફરાર થયો હતો. હત્યા બાદ સૌ પ્રથમ વિરેન્દ્રસિંહ તેના ઘરે પહોંચ્યો હતો. બાદમાં આરોપી ઘરે વૈષ્ણોદેવી જવાનું કહીને પોતાના ગામ આદ્રોડા જતો રહ્યો. ત્યાંથી પોતાનો મિત્ર કે જે ટ્રાવેલ એજન્સી ચલાવે છે તેના પાસેથી ઇનોવા લઇને પોતાના મિત્રને સાથે લઈને રાજસ્થાનવાળા હાઇવે પર થઇને પંજાબ પહોંચ્યો હતો.
હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો. ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે અંગે પણ તપાસ ચાલુ છે. અન્ય પોલીસ કર્મી દિનેશે ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે.