ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મોરબીના ટંકારા ખાતે રહેતા દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે નિધન થયું છે. તેમણે ચારેય વેદનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હાલમાં જ તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજે વહેલી સવારે દયાળમુનિની તબિયત ખરાબ થતા તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજૂક હતી.
દયાળમુની તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના મોરબીના ટંકારામાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ બાદમાં તેમણે આયુર્વેદનો અભ્યાસ કરી આયુર્વેદાચાર્યની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓ 18 વર્ષ સુધી આયુર્વેદ વિશ્વવિદ્યાલય, જામનગરમાં પ્રાધ્યાપક રહ્યાં. ત્યાં તેઓ કાયચિકિત્સા (મેડિસિન) વિભાગના અધ્યક્ષ પણ રહ્યાં હતા. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધાર અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળમુનિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
દયાળમુનિએ ચારેય વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને 8 પુસ્તકો સમર્પિત કર્યા હતા. તેમણે મહર્ષિ આર્યસમાજ દ્વારા સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં વૈદ્ય તરીકે નિઃશુલ્ક સેવા આપી છે. તેમણે આયુર્વેદ પર 18 ગ્રંથોની રચના કરી છે, જેને ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય દ્વારા સંદર્ભગ્રંથ રૂપે માન્યતા મળી છે.
તેમને અનેક પુરસ્કારો પણ મળી ચૂક્યા છે, જે નીચે મુજબ છે.
- વર્ષ 2015માં ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય, જામનગર દ્વારા તેમને ડી.લિટ્. (આયુર્વેદ)ની માનદ્ પદવી પ્રદાન કરવામાં આવી હતી.
- ગુજરાતના રાજ્યપાલના હસ્તે તેમને ‘આયુર્વેદ ચૂડામણિ’નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમીએ તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર-2020 અર્પણ કર્યો.
- 2024માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર આપી સમ્માનિત કર્યા.
તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આઘાત પહોંચ્યો છે.