બ્લાસ્ટને કારણે રિફાઈનરીની આસપાસના એક કિમી વિસ્તારમાં આવેલા કેટલાક ઘરોમાં બારી-બારણાના કાચ તૂટી ગયા હતા.
આજે બપોરે વડોદરાના કોયલીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ(IOCL) રિફાઈનરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઓઈલના એક સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા, જે 6 કિમી દૂર સુધી જોવા મળી રહ્યો છે. પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
આગની ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયતનો કરી રહ્યા છે. આગની ઘટનાને બે કલાકથી વધુનો સમય થયો હોવા છતાં પણ હજુ આગ પર કાબુ મેળવી શકાયો નથી. પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં પોલીસ આખા વિસ્તારને કૉર્ડન કરીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે. આગ લાગતા રિફાઈનરીની કચેરીમાં કર્મચારીઓને રજા અપાઈ છે.
હાલમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. જ્યારે બે વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટને કારણે રિફાઈનરીની આસપાસના એક કિમી વિસ્તારમાં આવેલા કેટલાક ઘરોમાં બારી-બારણાના કાચ તૂટી ગયા હતા.