અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશીંગા ગામની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સમાધિ માટે આજ સુધી આપણે સંતો, મહંતોની કે પછી કોઈ કલ્યાણકારી જીવની જ સમાધિ વિશે સાંભળ્યું છે. પરંતુ, પાડરશિંગામાં તો એક કારને સમાધિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. એક કારને “દુલ્હન”ની જેમ શણગારવામાં આવી. બાદમાં આ કારની ઢોલ નગારાના તાલ સાથે ધૂમધામથી સમાધિ અપાવીને 12 ફૂટ ઊંડા ખાડામાં વિદાય આપી દેવામાં આવી. યુવાનના વાહન પ્રેમની ગાથા ગુજરાતમાં ભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
શાસ્ત્રોક્ત પૂજા-વિધિ સાથે કારની વિદાય
કારના માલિકે તેમની “વ્હાલસોયી” કારની વિદાય શાસ્ત્રોક્ત પૂજા-વિધિ દ્વારા કરી. વિદાય આપતા પહેલા કારને એવી શણગારમાં આવી કે દ્રશ્ય જોઈને પ્રથમ નજરે તો એમ જ લાગે કે કાર નવી ખરીદી હશે. પણ આ કારને “સમાધિ” માટે સજ્જ કરાઈ હતી.
તારીખ 7 નવેમ્બર 2024ના સાંજના સમયે જાણે સામૈયું નીકળ્યું હોય તેવો માહોલ હતો. એક ફોર વ્હીલ કારને ફૂલોથી શણગારી હતી. સંતો, મહંતો હાજર હતા. ઢોલ અને શરણાઈના સૂર સંભળાતા હતા. ડીજેના તાલે લોકો રાસ રમી રહ્યા હતા. કાર ફરે મહિલાઓ રાસ રમતી હતી. પહેલી નજરે લગ્ન હોય તેવું લાગતું હતું. પરંતુ આ લગ્ન કે કોઈ ધાર્મિક કાર્યક્રમનું સમૈયું કે ફૂલેકું ન હતું. એક યુવાન ભારે હૈયે વ્હાલસોયી કારને આખરી વિદાય આપી રહ્યો હતો. તેમાં ગ્રામજનો સહિત આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા. DJના તાલે રાસની રમઝટ પણ જામી.
કારને “સમાધિ” આપવા પાછળની સ્ટોરી એટલી જ રસપ્રદ છે. પાડરશિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ વર્ષ 2014 આ ફોર વ્હીલર ખરીદી હતી. તેમનું કહેવું છે કે આ કાર ખરીદ્યા બાદ તેમની ખૂબ પ્રગતિ થઈ અને સમાજમાં પદ-પ્રતિષ્ઠા વધ્યા. કાર હવે જૂની થઈ ચુકી છે. પણ જેની સાથે લાગણીનો નાતો બંધાઈ ગયો છે તેવી કારને વેચવાનું મન ન થયું. જે પછી કાર માલિકને આ કારની “સમાધિ”નો વિચાર આવ્યો.