શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા
હરિયાણામાં બીજેપી સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. ગઇ કાલે ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી પદ માટે નાયબ સિંહ સૈનીના નામની મ્હોર મારવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી નિરીક્ષકના રૂપમાં હાજર રહ્યા હતા. તેમણે જ નાયબ સૈનીના નામની જાહેરાત કરી હતી. ત્યારે આજે હરિયાણા સીએમના પદ માટે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા છે. નાયબ સિંહ સૈની સાથે 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે.
હરિયાણામાં નાયબ સૈનીએ બીજી વખત CM પદના શપથ લીધા હતા. નાયબ સૈની રાજ્યના 19મા મુખ્યમંત્રી બન્યા છે. પંચકુલામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપની ટોચની નેતાગીરી ઉપરાંત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશભરમાંથી એનડીએના લગભગ દોઢ ડઝન નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા.


નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો જાળવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં 2 દલિત, 2 બ્રાહ્મણ, 2 જાટ, 4 OBC, એક રાજપૂત અને એક પંજાબી અને એક વાણિયા પંજાબીને મંત્રી પદ આપવામાં આવ્યું છે.
13 કેબિનેટ મંત્રી
અનિલ વિજ
આરતી સિંહ
શ્યામ સિંહ રાણા
રાવ નરબીર સિંહ
મહીપાલ ઢાંડા
અરવિંદ શર્મા
શ્રુતિ ચૌધરી
ઘનશ્યામ દાસ અરોરા
રણબીર ગંગુઆ
વિપલુ ગોયલ
રાજેશ નાગર – સ્વતંત્ર હવાલો
ગૌરવ ગૌતમ – સ્વતંત્ર હવાલો
ઉલ્લેખનિય છે કે, હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 90માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી.