ગુજરાતની 23 કંપનીઓ પર EDનાં દરોડા, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, સુરત અને કોડીનારમાં દરોડા

ED-raid

200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સચોરી કરવાના કેસમાં ઈડીનું સર્ચ-ઓપરેશન

ગુજરાતમાં દિવાળી પહેલા જ ED દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં સેલ(બનાવટી) કંપનીના કેસમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતની 23 જેટલી કંપનીઓ પર EDની ટીમ ત્રાટકી હતી. જેમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, સુરત, કોડીનાર સહિતની જગ્યાઓ પર EDની ટીમે તપાસ હાથ ધરી છે. 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. આ અગાઉ પણ આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચે અનેક લોકોની ધરપકડ કરી છે. તેમજ અગાઉ ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાંગાને ત્યાં પણ EDએ તપાસ હાથ ધરી છે. 200થી વધુ કંપનીઓએ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના આધારે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.

આ કેસમાં પત્રકાર મહેશ લાંગા સહિત અનેક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય એજન્સીએ પણ ઝંપલાવ્યું છે. ઇડીએ નવેસરથી ફરિયાદ દાખલ કરી રેડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

સેન્ટ્રલ GSTની ફરિયાદને આધારે અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવટી કંપનીઓમાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજન્સ (DGGI)એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરના 14 જગ્યાએ રેડ કરી હતી. જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું છે.

તપાસમાં સામે આવેલી બોગસ કંપની અને એના સંચાલકોની વિગતો

  • ધ્રુવી એન્ટરપ્રાઇઝ
  • અર્હમ સ્ટીલ પ્રોપરાઇટર નિમેશ મહેન્દ્ર વોરા અને હેતલબેન વોરા
  • ઓમ કન્સ્ટ્રક્શન, પ્રોપરાઇટર રાજેન્દ્રસિંહ સરવૈયા, વનરાજ સિંહ સરવૈયા, બ્રિજરાજસિંહ સરવૈયા તથા ઋત્વિરાજસિંહ
  • શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ ,̒પ્રોપરાઇટર કાળુભાઇ વાઘ તથા પ્રફુલભાઇ વજા. મનન વજા, જયેશ વાજા અને વિજય વાઘ
  • રાજ ઇન્ફ્રા પ્રોપરાઇટર રત્નદીપસિંહ ડોડિયા. જયેશ કુમાર સુતરીયા, અરવિંદભાઇ સૂતરિયા
  • હરેશ કન્સ્ટ્રક્શન કંપની, પ્રોપરાઇટર નિલેષ નસીત, જયોતિષભાઇ ગોંડલિયા, પ્રભાબેન ગોંડલિયા
  • ડી.એ. એન્ટરપ્રાઇઝ, પ્રોપરાઇટર મનોજ રામભાઇ લાંગા, વિનુભાઇ નટુભાઇ પટેલ
  • ઇથીરાજ કન્સ્ટ્રક્શન પ્રા.લિ. પ્રોપરાઇટર નિલેશ નશિત, જયોતિષ ગોંડલીયિ. પ્રબાબેન ગોંડલિયા
  • બી.જે.ઓડેદરા પ્રોપરાઇટર ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઇ ઓડેદરા, અભાભાઇ ઓડેદરા
  • આરએમ દાસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. પ્રોપરાઇટર નાથભાઇ મેરૂભાઇ દાસા, રણમલભાઇ મેરૂભાઇ દાસા
  • આર્યન એસોસિયેટ્સ પ્રોપરાઇટર અજય ભગવાનભાઇ બારડ. વિજય કાળાભાઇ બારડ, રમેશ કાળાભાઇ બારડ
  • પૃથ્વી બિલ્ડર્સ પ્રોપરાઇટર પરેશ પ્રદીપભાઇ દોઢિયા
  • પરેશ પ્રદીપભાઇ દોઢિયાના પ્રોપરાઇટર તથા અન્ય