રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું
આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર દિલ્હીમાં રાવણ દહન સમારોહનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વખતે પણ લાલ કિલ્લાના મેદાનમાં ધાર્મિક રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા ખાતે રામલીલામાં પહોંચ્યા. બંનેએ સાંકેતિક તીર ચલાવીને રાવણનું દહન કર્યું.

પીએમના આગમન બાદ રામલીલા શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચીને રામ-લક્ષ્મણ અને હનુમાનની ભૂમિકા ભજવતા કલાકારોને તિલક લગાવ્યું હતું અને પછી સ્ટેજ પર ચઢ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર હતા. તેમણે પણ રામ-લક્ષ્મણને તિલક લગાવ્યું હતુ. રાવણનાં દહન પહેલા પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ ધનુષમાંથી તીર છોડ્યા હતા અને ત્યારબાદ રાવણનું દહન થયું.
લાલ કિલ્લાના માધવદાસ પાર્કમાં આયોજિત આ રામલીલાનું આયોજન શ્રી ધાર્મિક લીલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. સમિતિના સભ્યોએ રાષ્ટ્રપતિ મુર્મુને ત્રિશૂળ અને પીએમ મોદીને ગદા આપી.
ભીડની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા માટે વધારાના દળો તૈનાત કર્યા હતા. આ સિવાય મહિલા પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવી હતી. લોકોના પ્રવેશ સમયે દરેકની તપાસ કરવામાં આવી અને સુરક્ષાના હેતુથી મોબાઈલ કંટ્રોલ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને આર્મીના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.