કડીના જાસલપુરમાં કન્સ્ટ્રક્શન દરમિયાન માટીની ભેખડ ધસી પડતાં 9 મજૂરોનાં મોત

kadi

મૃત્યુ પામેલ શ્રમિકોના પરિવારને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ અને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય જાહેર

કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામ્યો છે. ગામમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કંપનીનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક માટીની ભેખડ ધસી પડતાં 9 મજૂરો દટાઈ જતા તેમનાં મોત થયા હતા. તમામના મૃતદેહ બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં રેસ્ક્યૂની કામગીરી તમામ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર કરી
આ દુર્ઘટનાની જાણ PM મોદીને થતાં તેમણે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.

પીએમઓ દ્વારા ટ્વિટ કરીને લખ્યું હતું કે ગુજરાતના મહેસાણા નજીક ભેખડ ધસી પડવાની ઘટના અત્યંત દુખદ છે. જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના મારી પ્રત્યે શોક-સંવેદનાઓ. ઇશ્વર તેમને આ દુખ સહન કરવાનું શક્તિ આપે. આ સાથે જ હું ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ્ય થાય તેવી કામના કરું છું.

રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. તેમજ આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

કંપનીની કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરી રહેલા મજૂર રમિલા મોહનભાઈ વસોયાએ જણાવ્યું હતું કે સાઇટ પર અમે ચણતર કામ કરતા હતા ત્યારે માટીની ભેખડ ધસી પડી હતી. દુર્ઘટનામાં 10 લોકો દટાયા હતા, જેમાંથી એક મારો છોકરો વિનોદ ઉપર આવ્યો, બાકીના 9 લોકો અંદર દટાઈ ગયા હતા.

મૃતકોના નામ

રાજુભાઇ મેડા, રામપુરા
મુકેશ કમાલ, ખામાસણ
આશિષ, કાલીમહુડી
આયુષ્ય, કાલીમહુડી
મહેન્દ્ર રમેશ બારૈયા, રાજસ્થાન
જગન્નાથ રમેશ બારૈયા
અરવિંદ શંભુ, ચારમચરા- દાહોદ

એક શ્રમિકનું કહેવું છે કે, ’20 ફૂટ ઉંડા ખાડાને સમતળ કરવાની કામગીરી ચાલુ હતી. અને બાજુમાં જેસીબીથી કામ ચાલતુ હતું. જેના કારણે માટી ધસી પડતા લોકો દટાયા હતા. માટી ધસી પડવાની સાથે બાજુમાં રહેલી ઈંટોની દિવાલ પણ ધસી પડી હતી’.

આ ઘટનામાં માલિકની બેદરકારી સામે આવી છે. આ કામગીરી ચાલી રહી હતી ત્યારે કામદારોએ જણાવ્યું હતું કે, ‘આ ભાગ જોખમી છે, મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. પરંતુ તેમની વાતની અવગણના કરાઈ હતી અને કામગીરી આગળ ધપાવી હતી. છેવટે નવી ફેક્ટરીની બની રહેલી દીવાલ ધસી પડી હતી.

આ ઘટનામાં મેનેજર અને સુપરવાઇઝર કૌશિક પરમાર સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે સેફ્ટીના સાધનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલુ છે. પોલીસના મતે, માલિકો ભાગી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આ દુર્ઘટના સર્જાતા દશેરાના દિવસે મહેસાણા પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.