વડોદરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં 4 વર્ષની બાળકીને આયાએ કર્યા અડપલા, ગુપ્તાંગ પર ચૂંટલી ભરતી અને મળ ખવડાવતી

sant-basil-school

પીડિતાના પિતાએ જણાવ્યું કે ‘મારી દીકરી સાથે જે કૃત્ય થયું એ કહેતાં પણ રડવું આવે છે’
‘આયાએ મારી દીકરીને ઉપરથી ફેંકી દેવાની ધમકી આપી હતી’

નવરાત્રિ દરમિયાન એક બાદ એક છેડતી અને રેપના કેસ સામે આવી રહ્યા છે. ગેંગરેપ બાદ હવે વડોદરામાંથી ફરી એક વાર બાળકી સાથે શારિરીક અડપલાં થયા હોવાની ઘટના સામે આવી છે. શહેરના જાંબુવાની સેન્ટ બેસિલ સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે શાળાની આયાએ અડપલાં કર્યાં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ બાબતે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે સેન્ટ બેસિલ સ્કૂલમાં મારી દીકરીના ક્લાસ-ટીચર શ્રદ્ધા મેડમ હતાં. એ મારી દીકરીને બહુ માર મારતાં હતાં, જેથી અમે સ્કૂલમાં ફરિયાદ કરી હતી, જેથી મેડમને સ્કૂલમાંથી દૂર કરવામાં આવ્યાં હતાં, જેથી અમને રાહત થઈ હતી અને અમને થયું હતું કે આ મેડમ નથી એટલે આ છોકરી હવે સુરક્ષિત રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસમાં તો મારી દીકરી ફરીથી બર્બરતાનો શિકાર બનવા લાગી. તેની સાથે એવાં કૃત્ય થવા લાગ્યાં, જે હું કહી શકતો નથી. મને કહેતાં પણ રડવું આવે છે કે મારી દીકરી સાથે આવું થયું. પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે સ્કૂલની આયાએ મારી દીકરીના ગુપ્ત ભાગે ચૂંટલી ભરી હતી અને મળ ખવડાવ્યું હતું. હું કહી શકતો નથી અને રડવું આવે છે.

તેમણે જણાવ્યું હતું કે મારી દીકરીએ બધી હકીકત અમને કહી હતી, જેથી આ ફરિયાદ લઈને અમે પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ પાસે ગયા હતા. આચાર્યએ અમારી વાત હળવાશથી લીધી હતી અને અમને કહ્યું હતું કે તમે લેખિતમાં આપો. અમે શા માટે લખીને આપીએ. અગાઉ પણ અમારી દીકરી સાથે આવું બન્યું હતું. ફરીથી મારી દીકરી સાથે હેરેસમેન્ટ થયું. સ્કૂલની આયાએ મારી દીકરીને ઉપરથી ફેંકી દેવાની ધમકી આપી હતી.

મારી દીકરી આ ઘટના પછી બીમાર થઈ ગઈ હતી અને ગભરાઈ ગઈ હતી. સ્કૂલે જવા માટે પણ તૈયાર થતી નહોતી. મારી દીકરી સાથે આયા અને શિક્ષિકાએ આવું કર્યું એ અંગે તમામ લોકો સામે કાર્યવાહી કરવી જોઇએ.

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશના પ્રમુખ કિશોર પિલ્લાઇએ જણાવ્યું હતું કે સ્કૂલોમાં વિકૃત માનસિક ધરાવતા કર્મચારીઓ હોય છે, જેઓ બાળકો સાથે આવી ક્રૂરતા કરે છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવી જોઇએ. આજે અમે ડીસીપી ઝોન 3ને રજૂઆત કરી છે અને તેમણે સંતોષકારક જવાબ આપ્યો છે. આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમારી લડત ચાલુ રાખીશું.

સેન્ટ બેસિલ સ્કૂલના પ્રિન્સિપાલ મેરી ચાકોએ જણાવ્યું હતું કે અગાઉ જે ઘટના બની હતી એ ઘટનામાં શિક્ષિકાને ટર્મિનેટ કરવામાં આવી હતી. ત્યાર બાદ આયા સામે ફરિયાદ આવી હતી અને તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. અમે પોલીસ તપાસમાં પણ સહકાર આપી રહ્યા છીએ, પરંતુ સીસીટીવીમાં કોઈ ઘટના જોવામાં આવી નથી.

આ સમગ્ર ઘટનામાં શાળા સંચાલકનું નિવદેન સામે આવ્યુ છે. વાલીએ ફક્ત બાળકી શાળાએ પરીક્ષા આપવા આવશે તેવું જણાવ્યું હતું. વાલી દ્વારા શાળા વિરૂદ્ધ ખોટી રીતે ફરિયાદ કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ જો આવી ઘટના બની હોય તો અમને ત્યારે કેમ નહીં જણાવ્યું હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટનામાં શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે આ ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે, જેની તપાસ પોલીસ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે અને કર્મચારી સામે શિસ્તવિષયક કાર્યવાહી શાળા-સંચાલક પાસે રહેલી છે. શાળા દ્વારા કર્મચારી સામે શું કાર્યવાહી કરવામાં આવી એની તપાસ કરી, શું કાર્યવાહી થઈ એ બાબતે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લખનીય છે કે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 4 વર્ષની બાળકીની માતાને ઓગસ્ટ મહિનામાં જાણ થઈ હતી કે તેની પુત્રીને તેની ક્લાસ-ટીચર માર મારે છે અને તેને શાળામાં શારીરિક અને માનસિક રીતે પરેશાન કરે છે, જેથી માતાએ શાળામાં જઈને તેની શિક્ષકને પૂછતાં સૌપ્રથમ શિક્ષિકાએ ના પાડી દીધી હતી. જોકે સ્કૂલમાં ઉપરી સ્તર પર આ બાબતે રજૂઆત કરતાં શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી.

ત્યાર બાદ ગત શુક્રવારે બાળકીને જ્યારે માતા લેસન કરાવવા બેઠી ત્યારે તેણે માતાને લેસન કરવાની ના પાડી દીધી હતી. જે વિશે પૂછતાં બાળકીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં આયા તેને પરેશાન કરે છે અને તેના ગુપ્તાંગ સાથે પેન્સિલથી ચેડાં કરે છે અને ચૂંટલીઓ ભરે છે, જેથી માતાએ આ વિશે તાત્કાલિક મકરપુરા પોલીસ મથકમાં જાણ કરી હતી અને આયા વિરુદ્ધમાં મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.