વડોદરા સગીરા ગેંગરેપ કેસના આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા, 2 દિવસના રિમાન્ડ મંજૂર, લોકોએ ટપલીદાવ કર્યો

vadodara-gangrap-aaropi3

આરોપીઓના બુરખા ઉતારી ઓળખ પરેડ કરાઈ, પીડિતાએ તમામ આરોપીને ઓળખી બતાવ્યા,

વડોદરાના ભાયલીમાં સગીરા સાથે ગેંગરેપ કરનાર ત્રણેય આરોપીઓની ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તમામ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આજે સવારે ત્રણેય આરોપીને ઓળખ પરેડ માટે વડોદરા ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરાયા હતાં. ત્યારબાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર જ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. SITએ આરોપીઓનાં 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.પરંતુ કોર્ટે 10 ઓક્ટોબર સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન કોર્ટમાં વકીલો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. આરોપીઓને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન કોર્ટમાં હાજર લોકોએ આરોપીઓ પર ટપલીદાવ કર્યો હતો. આ હવસખોરોને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં પોલીસને પરસેવો છૂટી ગયો હતો.

હાલમાં કોઈપણ વકીલ આરોપીઓ તરફથી કેસ નહીં લડે અને આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરવામાં આવી રહી છે. ગેંગરેપના આરોપીઓ મુમતાજ ઉર્ફ આફતાબ સૂબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરુખ કિસ્મતઅલી બનજારાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસવાનમાં કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. હવસખોરો ઉપર કોઇ હુમલો ન કરે તે માટે પોલીસ દ્વારા કોર્ડન કરીને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા.

ત્રણેય આરોપીઓની પીડીતા સમક્ષ ઓળખ પરેડ
ત્રણેય આરોપીઓનુંરાત્રે તેઓનું મેડિકલ ચેક અપ કરાવ્યા બાદ આજે જિલ્લા પોલીસે ત્રણેય આરોપીઓનો કબજો લઇ કોઠી કચેરી સ્થિત ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઇ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પીડિતાને મામલતદારની ચેમ્બરમાં બનાવવામાં આવેલી વિશેષ જગ્યાએ રાખવામાં આવી હતી. જ્યાં ત્રણેય હવસખોરોના એક પછી એક બુરખા ઉતારી મામલતદાર ચેમ્બરમાં છુપાવીને ઊભી કરવામાં આવેલી પીડિતાને બતાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ પીડિતાએ તમામ આરોપીને ઓળખી બતાવ્યા હતા. લગભગ એક કલાક જેટલા સમયમાં ઓળખ પરેડ પૂરી થઇ ગયા બાદ આરોપીઓને તાલુકા પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓને બુરખા વગર જ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યાં છે.

આરોપીઓ સામે પોક્સો સહિતની કલમો દાખલ કરવામાં આવી છે. સ્થળ પર આવેલ પાંચ પૈકી જે બે યુવકો અપશબ્દો બોલી જતા રહ્યા હતા, તેઓની અટકાયત થઈ છે અને તેઓના નામ સૈફ અલી વણઝારા અને અફઝલ વણઝારા હોવાનું સામે આવ્યું છે અને તેમનો આ ગુનામાં રોલ નક્કી કરી તેમની સામે કાર્યવાહી થશે.