વહેલી સવારે કે મોડીરાતે પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વગર પકડાશે તો દંડ થશે
500 રૂપિયાના દંડથી લઇને લાઇસન્સ સસ્પેન્ડ થવા સુધીને કાર્યવાહી કરાશે
હેલ્મેટ મામલે ગુજરાત હાઇકોર્ટની લાલઆંખ બાદ આજથી શહેર ટ્રાફિક-પોલીસ હેલ્મેટ મામલે સ્પેશિયલ ડ્રાઇવ કરી રહ્યું છે. ટ્રાફિક-પોલીસની આ ડ્રાઇવ માત્ર નવરાત્રિ પૂરતી જ નથી, જ્યાં સુધી લોકો ફરજિયાત હેલ્મેટ પહેરવાનું શરૂ ના કરી દે ત્યાં સુધી ચાલશે. જેમાં 500 રૂપિયાના દંડથી લઇને લાઇસન્સ સસ્પેન્ડ થવા સુધીને કાર્યવાહી કરાશે.
આજથી અનિશ્ચિત સમય સુધી ટ્રાફિક-પોલીસ હેલ્મેટના મામલે સ્પેશિયલ ડ્રાઇવ કરશે. વહેલી સવારે કે મોડીરાતે પણ જો કોઇ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વગર નીકળશે, તો ટ્રાફિક- પોલીસ તેમને દંડ કરશે. ટ્રાફિક-પોલીસના 1500 જવાન, 800 હોમગાર્ડના જવાન અને 1600 ટીઆરબી જવાન વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવાની સેન્સ આવે એ માટે મેદાનમાં ઊતરવાના છે.
હાઇકોર્ટ લાલઘૂમ થતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. આજથી શહેરમાં જો કોઇ વાહનચાલકે હેલ્મેટ પહેર્યુ નહીં હોય તો પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ટ્રાફિક જેસીપી એન.એન.ચૌધરીએ જણાવ્યુ હતું કે સામાન્ય રીતે પોલીસની ડ્રાઇવ થોડા દિવસો પૂરતી હોય છે, પરંતુ આ વખતે જ્યાં સુધી શહેરમાં ટુ-વ્હીલર ચલાવતા વાહનચાલકો હેલ્મેટ નહીં પહેરે ત્યાં સુધી આ ડ્રાઇવ ચાલુ રખાશે.
પહેલી વખત જો કોઇ હેલ્મેટ પહેર્યા વગરનો ઝડપાશે તો પોલીસ તેને 500 રૂપિયાનો દંડ કરીને મેમો આપશે અને જો કોઇ વ્યક્તિ બેથી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયો હશે તો તેના વિરુદ્ધ લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક-પોલીસ પાસે 1500 બોડીવોર્ન કેમેરા છે, જે પહેરીને હવે ડ્યૂટી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક જંકશન પર પોલીસ હવે બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે. વાહનચાલક અને ટ્રાફિક- પોલીસ વચ્ચે જો કોઇ માથાકૂટ થાય ત્યારે એનું વીડિયો રેકોર્ડિંગ માટે પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરી ચાલકને ઝડપશે.