મહારાષ્ટ્રમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરાઈ, વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારનો મહત્ત્વપૂર્ણ અને મોટો નિર્ણય

gaumata-rajyamata

દેશમાં પહેલી વાર ગાયને ‘રાજ્યમાતા’ને દરજ્જો મળ્યો, મહારાષ્ટ્ર સરકારે ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપ્યો

વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એકનાથ શિંદે સરકારે ગાયને ‘રાજ્યમાતા’ તરીકે જાહેર કરી છે. સોમવારે કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે.

ગૌમાતા હવેથી મહારાષ્ટ્રનાં રાજ્યમાતા
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મહારાષ્ટ્રમાં ગાય હવે રાજ્યમાતા ગણાશે.

શિંદે સરકારના જણાવ્યા અનુસાર, દેશી ગાયનું દૂધ માનવ આહાર માટે વિશેષ યોગ્ય છે. વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયના સ્થાનને ધ્યાનમાં રાખીને, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વનું સ્થાન હોવાથી ગાયને રાજમાતાને દરજ્જો અપાયો છે.

હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. આ સિવાય તેનું દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર માનવામાં આવે છે, અને તેનો આયુર્વેદ ચિકિત્સા ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ગાયનું દૂધ માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જ્યારે ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર કરવાનો દાવો કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, “દેશી ગાયો અમારા ખેડૂતો માટે વરદાન છે. તેથી, અમે તેમને આ (‘રાજ્યમાતા’) દરજ્જો આપવાનું નક્કી કર્યું છે. અમે દેશી ગાયોના ઉછેર માટે ગોશાળાઓમાં મદદ આપવાનો પણ નિર્ણય કર્યો છે.”

ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાનો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રોજેરોજ ગૌહત્યા અને ગૌહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારો આ બાબતે સજાગ છે, પરંતુ આવા મામલાઓને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. જેથી ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં 26મી નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી પડશે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમ 28 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય પ્રવાસ પર મહારાષ્ટ્ર પહોંચી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે અનેક રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠકો કરી હતી.