ઓપરેશન થિયેટર અથવા સર્જરીમાં વપરાયેલ કોઇ સાધનથી ઇન્ફેક્શન લાગ્યાની શંકા
રાજકોટ પાસે વિરનગર ખાતે આવેલ શિવાનંદ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 10 જેટલા દર્દીઓને અંધાપાની અસર થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. અંધાપાની અસર થયેલા તમામ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બે દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી અને તાત્કાલીક ધોરણે હોસ્પિટલનાં ઓપરેશન થિયેટરને સીલ કરી દેવાયુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આટકોટ નજીક વિરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં ચાર દિવસ દરમ્યાન 30 જેટલા દર્દીઓના મોતીયાનાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ 10 જેટલા દર્દીઓને અંધાપાની અસર થઈ હોવાની ફરિયાદ હોસ્પિટલ સુધી કરવામાં આવી હતી.
અંધાપાની અસરના પગલે દર્દીઓના પરિવારજનોમાં ચિંતા સાથે ભારે હોબાળો થઈ પડયો હતો. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ અને તબીબ ટીમ દ્રારા પણ તમામ દર્દીઓની અંધાપાની અસર દુર થાય તે માટે પુરતા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ૭ દર્દીને રીકવરી મળી હતી. જયારે ૩ દર્દીને અંધાપાની વધુ અસર હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તેમાંથી બે દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ અને ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતાં.
હોસ્પિટલમાં ઓપરેશન બાદ અંધાપા કાંડ જેવી ઘટના બની હોવાની જાણ થતાં રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શિવાનંદ હોસ્પિટલ ખાતે તાત્કાલીક દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. જે બાદ ગાંધીનગરની ટીમ પણ હોસ્પિટલ ખાતે આવી હતી અને તમામ ઘટનાની જાણકારી મેળવી જે વિભાગમાં ઓપરેશન થયા હતાં, તે સાત ઓપરેશન થીયેટર સીલ મારી દેવામાં આવ્યા હતાં.
પ્રાથમીક તપાસ આરંભી હતી. જેમાં એવું બહાર આવી રહ્યું છે કે, શક્રિયા દરમ્યાન ઈન્ફેકશન લાગવાથી અંધાપાની અસર થઈ હોય શકે. જો કે આ બનાવ ઈન્ફેકશનથી બન્યો કે કોઈ માનવીય ભુલના કારણે અથવા તો સર્જરી વખતે કઈં ક્ષતિ રહી ગઈ તે વિશે વધુ તપાસ ચલાવાઈ રહી છે. ટ્રસ્ટી મંડળ દ્રારા પણ સારવારમાં રહેલા ત્રણેય દર્દીનો જરૂર પડે તે તમામ મદદ કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.
આ અંગે હોસ્પિટલના સુત્રોએ વધુમાં જણાવ્યું કે, સોમવારે 32 દર્દીઓના ઓપરેશન કરાયા હતાં. બે દિવસ સુધી એક પણ ફરિયાદ મળી નહતી. બે દિવસ બાદ અંધાપાની અસર થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. સોમવાર બાદ મંગળવાર અને બુધવારના રોજ પણ અનુક્રમે 65 અને 66 દર્દીઓના આંખના ઓપરેશનો કરવામાં આવ્યા હતાં. જો કે તે કોઈને પણ અંધાપાની અસર થઈ નથી. વધુમાં હોસ્પિટલના આરોગ્ય સાથે જોડાયેલા કર્મચારીએ જણાવ્યું હતું કે, હાલ વાતાવરણના કારણે પણ આ પ્રકારની અસર થઈ શકે છે.
શિવાનંદ હોસ્પિટલના 9થી 10 દર્દીઓને અંધાપાની અસર થતાં પ્રથમ રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ બે દર્દીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. અન્ય ચાર દર્દીઓને રાજકોટ ઈન્દિરા સર્કલ ખાતે આવેલ ડો. અનડકટની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અન્ય દર્દીઓની તબીયત સુધારા ઉપર હોય તેઓને સારવાર માટે ફરી વિરનગર ખાતે લઈ જવામાં આવ્યા છે.
રાજકોટ સિવિલના જણાવ્યા મુજબ રાજકોટ સિવિલમાં સારવાર આપ્યા બાદ તેઓને રજા આપવામાં આવી હતી. સિવિલમાંથી દર્દીઓને રજા મળતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શિવાનંદ આંખની હોસ્પિટલ સાથે જોડાયેલા અશોકકુમાર મહેતાએ જણાવ્યું કે, 9થી 10 જેટલા દર્દીઓને અસર થઈ છે. તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજ સુધીમાં આ પ્રકારનો બનાવ એક પણ બન્યો નથી. છતાં પણ કોઈ ક્ષતિના કારણે આ ઘટના બની હોવી જોઈએ જેનું ટ્રસ્ટને પણ દુ:ખ છે. અસર થયેલા દર્દીઓના દૂખને નિવારવા માટે ટ્રસ્ટ પણ સહયોગ આપસે અને દર્દીઓની સઘન સારવારનો ખર્ચ ટ્રસ્ટ આપવા પણ તૈયાર છે.
શિવાનંદ હોસ્પિટલ 1956થી કાર્યરત છે. જેમાં આંખને લગતી સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં વર્ષેાથી નિ:શુલ્ક ઓપરેશન અને સારવાર કરવામાં આવે છે. છેલ્લા 68 વર્ષમાં 9.8 લાખ જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમજ દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે લઈ જવા અને મૂકી જવા ઉપરાંત રહેવા જમવાની પણ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.