ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની પર 100 કરોડનાં કૌભાંડનો લગાવ્યો હતો આરોપ
મુંબઈમાં એક મેટ્રોપોલિટન કોર્ટે ડો. મેઘા સૌમેયાએ કરેલ અરજી પર આપ્યો આદેશ
ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડો. મેઘા સોમૈયાએ શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ મામલે મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સંજય રાઉતને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 15 દિવસની જેલની સજા ફટકારી છે. સાથે સાથે રુપિયા 25 હજારનો દંડ પણ કર્યો છે.
મેઘા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે…
મુંબઈની રૂઈયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર મેધાએ રાઉત સામે કલમ 499 (કોઈપણ પ્રકારના આરોપ લગાવવા અથવા પ્રકાશિત કરવા) અને 500 (માનહાનિ) હેઠળ કેસ કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
મેઘા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે 15 એપ્રિલ 2022 અને ત્યારબાદ સંજય રાઉતે મીડિયામાં અયોગ્ય નિવેદનો કર્યા હતા. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતા માટે ફેલાવવામાં આવ્યા હતા. આ અયોગ્ય નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાઇરલ થયાં હતાં અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યાં અને સાંભળ્યાં હતાં.
સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે…
સંજય રાઉતે મેઘા સોમૈયા પર અને તેમના એનજીઓ યુવા પ્રતિષ્ઠાન પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યા હતા. રાઉતે કહ્યું હતું કે કિરીટ સોમૈયાએ પત્નીની મદદથી 100 કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ આચર્યું હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.