તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ મંદિરનું મહાશાંતિ હવન અને પંચદ્રવ્યથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું

tirupati-suddhikaran

રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી, SITનાં રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે

આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ રૂપે આપવામાં આવતા લાડુમાં પ્રાણીઓની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતુ હોવાનો વિવાદ થયા બાદ લાખો શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ત્યારે હવે મંદિરનું શુદ્ધીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી અપવિત્રતા દૂર કરી શકાય.

આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધિકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓ સહિત 20 પુજારીઓએ આજે (સોમવારે) સવારે 6 થી 10 વાગ્યા સુધી ચાલતા પંચગવ્ય પોક્ષન (શુદ્ધિકરણ)માં ભાગ લીધો હતો. ધાર્મિક વિધિમાં લાડુ અને અન્નપ્રસાદમ રસોડાનું પંચદ્રવ્ય(ગોબર, ગૌમૂત્ર, દૂધ, ઘી, દહીં)થી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.

ચાલો જાણીએ કે શુદ્ધિકરણ શું છે અને તેની પ્રક્રિયા શું છે.

શુદ્ધિકરણ શું છે?
શુદ્ધિકરણ એટલે કોઈ વસ્તુને સ્વચ્છ કરીને તેને પવિત્ર બનાવવી. જુદી-જુદી જગ્યાઓએ આ શબ્દનો જુદો-જુદો ઉપયોગ થાય છે. ધાર્મિક સંદર્ભમાં જો જોઈએ તો આમાં મન, આત્મા અને શરીરની શુદ્ધિ કરવામાં આવે છે. તે માટે લોકો ઉપવાસ કરે છે, પૂજા-પાઠ કરે છે, ધ્યાન કરે છે. આ દ્વારા તમે તમારા અંદરના દોષો, પાપો, ખામીઓ, દૂર કરી શકો છો અને મુક્તિ મેળવી શકો છો. શરીરની શુદ્ધિ સ્નાન કરીને અને મનની શુદ્ધિ સાધના દ્વારા થાય છે.

મહા શાંતિ હોમ શું છે?
તિરુપતિ બાલાજી મંદિરમાં શુદ્ધિકરણ માટે મહા શાંતિ હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રશાસન દ્વારા આ શાંતિ હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાડુમાં જો કોઈ પ્રાણીઓની ચરબી મળવાના કારણોસર મંદિર અપવિત્ર થયું હોય તો આ શાંતિ હોમ દ્વારા તે અપવિત્રતા દૂર થાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે મહા શાંતિ હોમ શુદ્ધિકરણ માટે થાય છે.

મહા શાંતિ હોમનું શું મહત્વ છે?
હિંદુ ધર્મ મુજબ, કોઈ પણ સ્થાનને સાફ કરવું હોય તો તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. મહા શાંતિ હોમ દરમ્યાન અનેક પ્રકારના મંત્ર જપવામાં આવે છે અને હવન કરવામાં આવે છે. આથી તે સ્થાન પવિત્ર બની જાય છે.

ઘરમાંના મંદિરને શુદ્ધ કરવા માટે ઉપાયો:
જો ઘરમાં કે અન્ય ક્યાંય પણ મંદિરની સ્થાપના થાય છે, તો તે સ્થાનનું પહેલેથી શુદ્ધિકરણ કરવું જોઈએ. તે માટે શુદ્ધ પાણીથી છાંટા કરો, કુંકુમ લગાવો. ગંગાજળ અથવા સામાન્ય પાણીમાં દૂધ ભેળવી તેમાં ફૂલ નાંખી દો. જમણા હાથની ત્રણ આંગળીઓથી આ પાણીનો છંટકાવ મંદિરમાં કરો

સાફસફાઇ માટે આ દિવસ શુભઃ
શનિવારનો દિવસ મંદિરની સાફસફાઇ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સફાઈ પછી જો તમે ગંગાજળનો છંટકાવ કરો છો તો મા લક્ષ્મીનો ઘરમાં વાસ થશે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે. તમે ગુરુવાર કે રવિવારના દિવસે પણ મંદિરની સાફસફાઇ કરી શકો છો. આ દિવસો પણ આ કાર્ય માટે શુભ માનવામાં આવે છે.

આંધ્રના સીએમ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં YSR કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન તિરુપતિ મંદિરમાં પીરસવામાં આવતા લાડુ (પ્રસાદમ)માં પ્રાણીની ચરબી ધરાવતું ઘી અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું. બીજા દિવસે, TDPએ લેબ રિપોર્ટ બતાવ્યો અને તેના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો.

આ મામલાની ગંભીરતા જોઇને રાજ્ય સરકાર દ્વારા SIT (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે, જેથી આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવી શકે અને સત્ય સામે આવી શકે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે SIT રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.