આતિશીએ દિલ્હીના સૌથી યુવા સીએમ બનવાનો અરવિંદ કેજરીવાલનો રેકોર્ડ તોડ્યો
આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ દિલ્હીનાં નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ ફાઈનલ થઈ ગયુ હતું. આજે શનિવારે આતિશીએ દિલ્હીના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આમ, કેજરીવાલના રાજીનામા બાદ હવે દિલ્હીની કમાન આતિશીને સોંપવામાં આવી છે.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાજ નિવાસ ખાતે આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ આતિશી કેજરીવાલને પગે લાગ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન, કૈલાશ ગેહલોત અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. કેબિનેટમાં મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે. આતિશીના શપથગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને પંજાબના સીએમ ભગવંત માન હાજર રહ્યા હતા.
43 વર્ષનાં આતિશી કાલકાજી સીટથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે. આતિશીએ દિલ્હીના સૌથી યુવા સીએમ બનવાનો કેજરીવાલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. કેજરીવાલ 2013માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 45 વર્ષની હતી. જ્યારે હાલમાં આતિશીની ઉંમર 43 વર્ષ છે.
આતિશી દિલ્હીના સૌથી યુવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યાં છે. આ પહેલાં સુષમા સ્વરાજ અને શિલા દીક્ષિત દિલ્હીનાં સીએમ રહી ચૂક્યાં છે.
આતિશીએ દિલ્હીના ધારાસભ્યો અને જનતાને અપીલ કરી કે કોઈ મને શુભકામનાઓ ના આપે અને કોઈ હારમાળા પહેરાવે નહીં. આમ આદમી પાર્ટી બાદ પોતે આતિશીએ પણ સ્પષ્ટ કર્યું કે તે આ સરકારનો કાર્યકાળ પૂરો થવા સુધી જ મુખ્યમંત્રી રહેશે અને નવી ચૂંટણી બાદ જો પાર્ટીના પક્ષમાં જનાદેશ આવે છે તો કેજરીવાલ જ મુખ્યમંત્રી હશે.