સ્કૂલમાં વાહન લઈને આવતા સગીર વિદ્યાર્થીઓ પર થશે કાર્યવાહી, DEOએ પરિપત્ર જારી કર્યો

student-drive

આગામી અઠવાડિયામાં DEO દ્વારા ટ્રાફિક-પોલીસ અને RTO સાથે મળી ડ્રાઇવ યોજવામાં આવશે

તમારાં બાળકો વાહન લઈને સ્કૂલે જતાં હોય તો હવે ચેતી જજો, કારણ કે હવેથી નિયમ વિરુદ્ધ વાહન લઈને કોઈ વિદ્યાર્થી સ્કૂલે જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એમાં પણ ખાસ કરીને અકસ્માતમાં સગીર વાહન ચલાવતો હોય એવા કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેથી અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા સ્કૂલોને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે કે સ્કૂલમાં આવતાં બાળકો નિયમ વિરુદ્ધ વાહન લઈને આવતાં હોય તો તેમને અટકાવી દેવાં. આગામી અઠવાડિયામાં DEO દ્વારા ટ્રાફિક-પોલીસ અને RTO સાથે મળી ડ્રાઇવ યોજવામાં આવશે, જેમાં નિયમ વિરુદ્ધ વાહન લઇને આવતાં બાળકોનાં માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે.

વા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 18 વર્ષથી નાની વયના લોકોને વાહન ચલાવવા યોગ્ય નથી માનવામાં આવતા. આમ છતાં કેટલાક વાલીઓ સંતાનોની જીદ આગળ ઝૂકી જાય છે તો કેટલાક સ્ટેટસ ખાતર પોતાના વ્હાલસોયાને ચાવી પકડાવી દેતા હોય છે. આવા સગીર વાહન ચાલકો અકસ્માત સર્જતા હોય છે. તે અટકાવવા માટે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં વાહન લઈને આવતા સગીર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે એમવી એક્ટ મુજબ 125 સીસી કરતાં વધુના વાહનો બાળકોને ચલાવવાની મંજૂરી નથી છતાં વિદ્યાર્થીઓ વાહનો લઈને સ્કૂલે આવે છે, જેના કારણે બાળકો, વાલી અને સ્કૂલની સલામતી જોખમમાં મુકાય છે, જેથી અમે પરિપત્ર કર્યો છે કે જે પણ વિદ્યાર્થીઓ અનઅધિકૃત વાહનો લઈને આવે તો સ્કૂલના આચાર્યએ વાલીઓને અવગત કરવાના રહેશે. આગામી સમયમાં અમે RTO અને ટ્રાફિક-પોલીસની મદદથી ડ્રાઇવ ચલાવીશું. સૂચના આપ્યા બાદ પણ કોઈ બાળક વાહન લઇને સ્કૂલે આવતું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

DEO દ્વારા માત્ર સ્કૂલની બહાર જ નહિ, પરંતુ સ્કૂલની અંદર પણ ડ્રાઇવ યોજવામાં આવશે. સ્કૂલના પાર્કિગમાં જે વાહનો હશે એમાં બાળકોનાં વાહનો હશે તો સ્કૂલની અંદર જઈને તપાસ કરવામાં આવશે. બાળક વાહન ચલાવતા ના ઝડપાય, પરંતુ સ્કૂલે વાહન લઈને આવ્યું હશે એ જાણ થાય તો એ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. એક અઠવાડિયા સુધી સ્કૂલે તમામ બાળકો અને વાલીઓને આ અંગે જાણ કરવાની રહેશે. ત્યાર બાદ DEO દ્વારા અલગ અલગ સ્કૂલોમાં RTO અને પોલીસ સાથે મળીને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 25 CC કરતાં વધારે ભારે વાહનો શાળાએ જતા બાળકોને ચલાવવા માટેની અનુમતી હોતી નથી. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ આવા વાહનો લઈને સ્કૂલે આવતા હોય છે. જેના કારણે તેઓ પોતાની તેમજ અન્ય લોકોની સલામતીને તો જોખમમાં મૂકે છે.