ચૂંટણી બાદ યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશેઃ અમિત શાહ

amitShah-JammuKashmir

આઝાદી પછી પહેલીવાર આપણા રાષ્ટ્રધ્વજ અને બંધારણ હેઠળ ચૂંટણીઓ યોજાઈ રહી છે.
કોંગ્રેસ-એનસી જમ્મુ અને કાશ્મીરને ફરી વાર આતંકવાદની આગમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આજે ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. એક રેલીને સબોધતા તેમણે કહ્યું કે, ચૂંટણી બાદ યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની મુલાકાતે જમ્મુમાં છે. ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જમ્મુમાં એક રેલીને સંબોધતા અમિત શાહે વિધાનસભા ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનું આશ્વાસન આપ્યું છે.

ગૃહમંત્રી શાહે એમ પણ કહ્યું છે કે ‘કલમ 370 હટ્યા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો વોટ આપવા જઈ રહ્યાં છે. ભારતીય ધ્વજ અને બંધારણ હેઠળ યોજાનારી આ પ્રથમ ચૂંટણી છે અને તેથી આ એક ઐતિહાસિક અવસર છે. શાહે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું, “આશ્વસ્ત રહો કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં ક્યારેય સરકાર બનાવી શકશે નહીં.”

અમિત શાહે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર જૂની સિસ્ટમ લાગુ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. શાહે આરોપ લગાવ્યો કે સરકારે કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં તેઓ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરને આતંકવાદની આગમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગુર્જરો, પહાડીઓ, બકરવાલ અને દલિતોનું આરક્ષણ છીનવી લેવા માંગે છે. તેમણે કહ્યું, “રાહુલ બાબા ગમે તેટલી કોશિશ કરે, અમે તેમને ગુર્જર, પહાડી, બકરવાલ અને દલિતોના આરક્ષણને સ્પર્શવા નહીં દઈએ. 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની મહિલાઓને 70 વર્ષ પછી અધિકાર મળ્યો છે. “કોંગ્રેસ અને એનસી આ અધિકાર છીનવી લેવા માંગે છે.”

ગૃહમંત્રીએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં આગામી ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે આઝાદી પછી પહેલીવાર આપણા રાષ્ટ્રધ્વજ અને બંધારણ હેઠળ ચૂંટણીઓ યોજાઈ રહી છે. અગાઉ અહીં બે ચૂંટણીઓ થતી હતી. અગાઉ અહીં બે ધ્વજ અને બે બંધારણો હતા. પરંતુ હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી માત્ર એક જ વડાપ્રધાન છે અને તે છે મોદીજી. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન હશે નહીં.

ગૃહમંત્રીએ આગળ કહ્યું, ‘હું ઇચ્છું છું કે તમે તમામ મતદાનના દિવસે સવારે 11.30 વાગ્યા પહેલાં મતદાન કરો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે. તેઓ રાજૌરી અને પૂંછમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. અમે ઉપદ્રવીઓને જેલમાં નાખી દીધા છે. તેઓ ઇચ્છે છે કે એલઓસીની પાર વેપાર ફરીથી શરુ થાય તેનાથી કોને ફાયદો થશે? આપણે શાંતિ સ્થાપિત થવા સુધી પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં.’

અમિત શાહે એમ પણ કહ્યું કે, ‘તેઓ શંકરાચાર્ય હિલનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન રાખવા ઇચ્છે છે. શું તમે તેની પરવાનગી આપશો? ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે. તેઓ જમ્મુને તેના અધિકારોથી વંચિત રાખવા ઇચ્છે છે. તેઓ જમ્મુ-કાશ્મીર માટે સ્વાયત્તતા ઇચ્છે છે. હવે કોઈ પણ તાકાત જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાની વાત કરવાની હિંમત કરશે નહીં.’

અમિત શાહે ગઈ કાલે શુક્રવારે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો અને ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકોની અધ્યક્ષતા પણ કરી હતી.