2021માં રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP)ના પાંચ સાંસદોના તુટીગયા પછી બનેલી ચિરાગ પાસવાનની એલજેપી-રામ વિલાસ પણ તૂટવા જઈ રહી છે?
પટના: 2021માં રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP)ના પાંચ સાંસદોના તુટીગયા પછી બનેલી ચિરાગ પાસવાનની એલજેપી-રામ વિલાસ પણ તૂટવા જઈ રહી છે? શું ચિરાગ પાસવાનની પાર્ટી સાથે ખેલ થઈ શકે છે? બિહારમાં મુખ્ય વિપક્ષી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ધારાસભ્ય મુકેશ રોશનના દાવો કર્યો છે કે ચિરાગ પાસવાનના ત્રણ સાંસદો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા છે કે શું કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનો મોદી સરકાર સાથેનો મોહભંગ થઈ ગયો છે? શું BJP ખરેખર ચિરાગના સાંસદોને તોડવાની છે? LJP પાર્ટીમાં તોડફોડનો દાવો RJDના ધારાસભ્ય મુકેશ રોશને કર્યો છે. કહ્યું છે કે ખૂબ જલદી એ પરિણામ આવશે કે LJP રામવિલાસના ત્રણ સાંસદ BJPમાં સમાવિષ્ટ થઈ જશે. BJPનો આ ઇતિહાસ રહ્યો છે. અનેક ધારાસભ્યોને તેમણે પોતાના પક્ષમાં કર્યા છે.
ચિરાગ આંખો બતાવે તરત સારવાર શરૂ થઈ જાય: મુકેશ રોશન
આરજેડીના ધારાસભ્યએ કહ્યું કે જ્યારે પણ ચિરાગ આંખો બતાવે છે ત્યારે તેમની સારવાર શરૂ થઈ જાય છે. મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ના ત્રણ ધારાસભ્યોના ભાજપમાં જોડાવાના આરોપો અને નીતિશ કુમારના જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ને તોડવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા રોશને કહ્યું કે ભાજપ તેના સાથી પક્ષો સાથે પણ આવું જ કરે છે.
ચિરાગ પાસવાનની પાર્ટી LJP-Rના પાંચ સાંસદો છે. તેઓ પોતે તેમાંના એક છે બાકીના ચાર સાંસદો તેમના સાળા અરુણ ભારતી, વીણા સિંહ, રાજેશ વર્મા અને શાંભવી ચૌધરી છે. સ્વાભાવિક છે કે, આરજેડીના ધારાસભ્યો જેના પર દાવો કરી રહ્યા છે તે ત્રણ સાંસદ કોણ હોઈ શકે તે આ સમજી શકાય છે. ખગરિયાના સાંસદ રાજેશ વર્માએ કહ્યું છે કે ચિરાગ પાસવાને તેમને તક આપી છે ઓળખ આપી છે, તેઓ રાજકારણમાં ચિરાગની સાથે જ રહેશે. તેમણે કહ્યું કે એલજેપી-આર એક છે. તેણે કહ્યું કે મુદ્દાઓ પર સ્ટેન્ડ લેવો ખોટું નથી અને તે ચિરાગના સ્ટેન્ડની સાથે છે.
તોડફોડનો દાવો કેમ?
ચિરાગ પાસવાનની પાર્ટીમાં તોડફોડ થાય કે ના થાય પરંતુ આ દાવા પાછળ અનેક એવા કારણો છે જેના કારણે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ચિરાગ પાસવાન કેન્દ્રમાં મંત્રી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારની લાઇનથી અલગ ચાલી રહ્યા છે. જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે, વકફ બોર્ડમાં સુધારા, લેટરલ એન્ટ્રીથી સરકારમાં ઉચ્ચ પદો પર ભરતી, એસસીના પેટા વર્ગીકરણ અને ક્રીમી લેયર જેવા મુદ્દાઓ પર ચિરાગ પાસવાનું વલણ સરકાર કરતાં અલગ છે અને તેમણે ખુલીને આ મુદ્દાઓનો વિરોધ કર્યો છે. વધારામાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે પણ ચિરાગ પાસવાને વિપક્ષની માગનું સમર્થન કર્યું છે. અનેક નિર્ણયોનો વિરોધ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં આને લઈને વિપક્ષ હવા આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ચિરાગ પાસવાન પોતાની દલિત સમુદાયની મતબેંકને ધ્યાનમાં રાખીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરૂદ્ધ જાહેરમાં નિવેદનો આપી રહ્યા છે. ચિરાગે એક મહિનાના ગાળામાં ત્રણ વાર ખુલ્લેઆમ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરોધી વલણ લીધું તેને પાસવાન દ્વારા બગાવતનો તખ્તો તૈયાર કરવાની વ્યૂહરચનાનો ભાગ ગણવામાં આવે છે. વધુમાં ભાજપ એલજેપી (રામવિલાસ)માં ભંગાણ કરવાની તૈયારી કરતો હોવાની આશંકાથી ભાજપ તેનો દાવ કરે એ પહેલાં ચિરાગ પાસવાને ભાજપનો દાવ કરીને તેજસ્વી યાદવ અને કોંગ્રેસના મહાગઠબંધનમાં જોડાઈ જવાની હિલચાલ શરૂ કરી દીધી હોવાનું કહેવું છે.