ભારત બંધઃ દલિત સંગઠનો રસ્તા પર ઉતર્યા, ઘણી જગ્યાએ બંધની અસર જોવા મળી, પટનામાં પોલીસે કર્યો લાઠીચાર્જ

દલિત સંગઠનોએ આજે 21 ઓગસ્ટને ભારત બંધનું એલાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. જાણો દેશમાં કેવી સ્થિતિ છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર દેશ વ્યાપી બંધને લઈને દલિત સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દ્વારા અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST ના આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ કરવાનો નિર્ણય આપ્યો હતો. ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ આ નિર્ણયને નબળા અને ગેરબંધારણીય ગણાવ્યો છે. જેના અનુસંધાને આજે ભારત દેશમાં બંધનું એલાન અપાયું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી હતી. દલિત સંગઠનોએ માંગ કરી છે કે આ નિર્ણય પાછો લેવામાં આવે અને અનામતની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

દેશવ્યાપી હડતાળને કારણે શું સ્થિતિ

રાજસ્થાનના જયપુરમાં રેપિડ એક્શન ફોર્સે ફ્લેગ માર્ચ કર્યો

રાજસ્થાનની રાજધાની જયપુરમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. બુધવારે દલિત સંગઠનોએ ભારત બંધના સમર્થનમાં જયપુરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ પહેલા પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી. દલિત સંગઠનોનું પ્રદર્શન આલ્બર્ટ હોલથી શરૂ થાય તે પહેલા રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી. અજમેરમાં ભારત બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીંના રસ્તાઓ નિર્જન છે. બજારો બંધ છે. રાજધાની જયપુરમાં ભારત બંધની અસર સંપૂર્ણ રીતે જોવા મળી રહી છે. તમામ દુકાનો બંધ છે.જયપુર સહિત રાજ્યના 13 જિલ્લામાં શાળા, કોલેજો અને કોચિંગ બંધ છે.

દલિતો દ્વારા ગુજરાતમાં બંધની અસર શું જોવા મળી

ભારત બંધના એલાનથી ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વડોદરાના એમજી રોડ પર આવેલી દુકાનો બંધ કરાવવા બાબલે બોલાચાલી થતાં ઘર્ષણ થયું હતું. જોકે પોલીસની દરમિયાનગીરીના લીધે ઘર્ષણ ટળી ગયું હતું. જ્યારે અમુક આદિવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લા પણ હતા. ખાસ કરીને આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળ્યું છે. દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, દાંતા, અરવલ્લી, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર સહિતના જિલ્લા પણ આ બંધમાં જોડાયા છે. હડાદ, દાંતા, મંડાલી, ઇડર, ઉમરપાડા, સાબરકાંઠા,વ્યારા, સોનગઢ, ઉમરપાડા, વિજયનગર સહિત નર્મદા જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી હતી. જો કે, અહીં પણ અનેક વિસ્તારોમાં બજારો અંશતઃ ખુલ્લા જોવા મળ્યા હતા. વિજયનગર, ભીલોડા અને દાંતામાં બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા

સુરતમાં એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી. જે રેલી કલેકટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.

અમદાવાદ અને પાટણમાં દલિત સમાજના લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરતાં પોલીસે અટકાયતનો દૌર શરૂ કરી દીધો હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એસટી-એસસી સમાજના લોકો એકઠા થયા છે અને તેમણે વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું હતું.

બિહાર પટનામાં પોલીસે કર્યો લાઠીચાર્જ

ભારત બંધના સમર્થનમાં વિરોધ કરી રહેલા ભીમ આર્મીના કાર્યકરોએ બુધવારે બિહારની રાજધાની પટનામાં રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે દેખાવકારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આ પછી પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

દરભંગા જંકશન પર દલિત સંગઠનોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓ રેલવે ટ્રેક પર આવી ગયા હતા. સ્ટેશન પર ઉભેલી દિલ્હી-બિહાર એક્સપ્રેસના એન્જિન પર દલિત કાર્યકરો ચઢી ગયા હતા. દેખાવકારોએ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. કલાકોની મહેનત બાદ આરપીએફએ તમામ આંદોલનકારીઓને રેલવે ટ્રેક પરથી હટાવ્યા હતા. જહાનાબાદમાં દલિત સંગઠનોના કાર્યકર્તાઓએ નેશનલ હાઈવે 83ને બ્લોક કરી દીધો હતો.

દિલ્હીમાં બંધની અસર જોવા ન મળી

આજે દિલ્હીમાં ભારત બંધની કોઈ ખાસ અસર જોવા મળી નથી. દિલ્હીના વેપાર સંગઠન CTIએ જાહેરાત કરી છે કે દિલ્હીના તમામ 700 બજારો સામાન્ય રીતે ખુલ્લા રહેશે. સીટીઆઈના પ્રમુખ બ્રિજેશ ગોયલે કહ્યું કે અમે અલગ-અલગ માર્કેટ એસોસિએશન સાથે વાતચીત કરી હતી, જેમાં તમામે બંધને સમર્થન ન આપવાનો નિર્ણય લીધો છે. આ સિવાય દિલ્હીના 56 ઔદ્યોગિક વિસ્તારો પણ ખુલ્લા રહેશે, જેના કારણે બંધને કારણે ધંધા પર કોઈ અસર નહીં થાય.

ઝારખંડમાં બંધની અસર જોવા મળી

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકરોએ સવારથી જ બંધને સફળ બનાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ગિરિડીહમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લોકો ગુસ્સે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જાહેર પરિવહન સેવાઓ એટલે કે સરકારી બસ સેવાઓ પ્રભાવિત થઈ છે. લાંબા અંતરની ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ છે. ગિરિડીહના બસ સ્ટેન્ડ પર નીરવ શાંતિ છે.

શું છે NACDAOR ની માંગણીઓ?

નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ ભારત બંધના સમર્થનમાં એક માંગ પત્ર જારી કર્યો છે. દલિત સંગઠનોએ સુપ્રીમ કોર્ટનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. NACDAOR એ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો (OBC) માટે નવો સંસદ અધિનિયમ બનાવવાની માંગણી કરી છે, જેને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. વધુમાં, તેઓએ સરકારી સેવાઓમાં એસસી/એસટી/ઓબીસી કર્મચારીઓના જાતિ આધારિત ડેટાને તાત્કાલિક બહાર પાડવાની માંગ કરી છે.

SCનો નિર્ણય શું હતો?

સર્વોચ્ચ અદાલતનો તાજેતરનો ચુકાદો અનામત નીતિઓ હેઠળ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના પેટા-વર્ગીકરણને મંજૂરી આપે છે. ચુકાદામાં, જે કહે છે કે, “જેને ખરેખર તેની જરૂર છે તેઓને અનામતમાં અગ્રતા મળવી જોઈએ,”એ વ્યાપક ચર્ચા જગાવી છે અને મોટા વિરોધને પ્રોત્સાહન આપ્યું છે.

મુખ્ય માંગણીઓ શું છે?

NACDAORએ કેન્દ્રને સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટના નિર્ણયને બાજુ પર રાખવા વિનંતી કરી, અને કહ્યું કે તે SC અને STના બંધારણીય અધિકારોને જોખમમાં મૂકે છે.

વિરોધીઓએ એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષણને સંબોધવા માટે સંસદનો નવો કાયદો ઘડવાની પણ હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ જોગવાઈઓને ન્યાયિક હસ્તક્ષેપથી બચાવવા માટે આ કાયદાને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવો જોઈએ.

તેમણે સરકારી સેવાઓમાં એસસી/એસટી/ઓબીસી કર્મચારીઓ પરના જાતિ-આધારિત ડેટાને તાત્કાલિક બહાર પાડવાની પણ માંગ કરી કારણ કે તેમની સચોટ રજૂઆતની ખાતરી કરવી જરૂરી છે.

તેમણે ઉચ્ચ ન્યાયતંત્રમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોનું 50 ટકા પ્રતિનિધિત્વ હાંસલ કરવા માટે સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવાની પણ માંગ કરી હતી.

તેઓ ઇચ્છે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તમામ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવામાં આવે.

NACDAOR એ SC, ST અને OBC માટે ન્યાય અને સમાનતાની પણ માંગણી કરી છે અને માંગ કરી છે કે સરકારી પ્રોત્સાહનો અથવા રોકાણોથી લાભ મેળવતી ખાનગી ક્ષેત્રની કંપનીઓએ તેમની કંપનીઓમાં હકારાત્મક પગલાંની નીતિઓ ઘડવી જોઈએ.