વક્ફ બોર્ડમાં એવી જોગવાઈ છે કે જેમાં કોઈ પણ આવીને કહે કે આ મારા પૂર્વજની હતી તો તે સંપત્તિ તેની થઈ જતી હતી. કોંગ્રેસથી આ પ્રકારની જે ભૂલ થઈ છે તેને અમે સુધારી રહ્યા છીએઃ કિરન રિજિજુ
ઓવૈસીએ કહ્યું- કેન્દ્ર સરકાર મુસ્લિમોની દુશ્મન છે
કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુએ આજે ભારે હોબાળા વચ્ચે આજે લોકસભામાં વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કર્યુ હતું. વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કર્યા બાદ સંસદમાં હોબાળો થયો હતો. આ બિલનો કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી , NCP (શરદ પવાર), AIMIM, TMC, CPI(M), IUML, DMK, RSP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ બિલ પાસ થયા બાદ વક્ફ બોર્ડ પોતાની મિલકત તરીકે કોઈ પણ મિલકતનો દાવો કરી શકશે નહીં. હાલમાં વક્ફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. જમીનનો દાવો કરતા પહેલાં તેની ખરાઈ કરવી પડશે. તેનાથી બોર્ડની મનમાની અટકશે.
બોર્ડની પુનઃરચનાથી બોર્ડના તમામ વિભાગો સહિત મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થશે. મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ અને શિયાઓ અને વોરા જેવાં જૂથો લાંબા સમયથી વર્તમાન કાયદામાં ફેરફારની માંગ કરી રહ્યાં છે.
અગાઉ પણ વક્ફ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છેઃ કિરેન રિજિજુ
કિરણ રિજિજુએ કહ્યું- અગાઉ પણ વક્ફ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે. અમે સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે ફેરફાર કરી રહ્યા છીએ. આ કમિટીની રચના કોંગ્રેસે જ કરી હતી.
અમે કોંગ્રેસની ભૂલને સુધારી રહ્યા છીએઃ કિરેન રિજિજુ
દેશના ભાગલા પછી પાકિસ્તાનમાં સરકારે હિન્દુઓની સંપત્તિ છીનવી લીધી અને અહીંથી ગયેલા મુસ્લિમોએ વક્ફને આપી દીધી. કોઈએ દાનમાં આપી અને તેનો લાભ મહિલાઓ અને ગરીબોને ન મળે તો શું સરકાર ચુપ બેસી રહે ? ગૃહની જવાબદારી છે કે ન્યાય આપવામાં જે કમી રહી ગઈ છે તેને પૂરી કરવામાં આવે. હાલ વક્ફ બોર્ડમાં એવી જોગવાઈ છે કે જેમાં કોઈ પણ આવીને કહે કે આ મારા પૂર્વજની હતી તો તે સંપત્તિ તેની થઈ જતી હતી. કોંગ્રેસથી આ પ્રકારની જે ભૂલ થઈ છે તેને અમે સુધારી રહ્યા છીએ.
https://x.com/ANI/status/1821472342385803272
કેટલાક લોકોએ વક્ફ બોર્ડ પર કબજો જમાવ્યો
કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલમાં કોઈ પણ પ્રકારના બંધારણની જોગવાઈઓેનું ઉલ્લંઘન કરવામાં નથી આવ્યું. તે કોઈ ધર્મમાં દખલગીરી નથી કરી રહ્યું. જેમને દબાવીને રાખવામાં આવ્યા છે તેમના માટે આ બિલ રાખવામાં આવ્યું છે. આપણે બધા એક જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ. આ બિલનું સમર્થન કરવું જોઈએ. કરોડો લોકોના આર્શિવાદ મળશે. કેટલાક લોકોએ વક્ફ બોર્ડ પર કબજો જમાવીને રાખ્યો છે. ગરીબોને ન્યાય નથી મળ્યો. ઈતિહાસમાં આ નોંધવામાં આવશે કે કોણ કોણ આ બિલની વિરોધમાં હતું.
NDAની સહયોગી પાર્ટી જેડીયુ અને ટીડીપીએ વક્ફ બિલને સમર્થન આપ્યું
આ બિલ પારદર્શિતા માટે છેઃ લલન સિંહ
કેન્દ્રીય મંત્રી લલન સિંહે સંસદમાં વક્ફ બિલને સમર્થન આપ્યું છે. લલન સિંહે વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે આ બિલ મુસ્લિમ વિરોધી નથી. તેઓ મંદિરની વાત કરે છે, મંદિરની વાત ક્યાંથી આવી? જ્યારે કોઈપણ સંસ્થા નિરંકુશ બને છે, ત્યારે સરકાર તેના નિયંત્રણ માટે અને પારદર્શિતા માટે કાયદો બનાવશે. આ તેનો અધિકાર છે. પારદર્શિતા હોવી જોઈએ અને આ બિલ પારદર્શિતા માટે છે.
વિપક્ષ હંમેશા વિરોધ કરે છે, તેઓ સારી બાબતને પણ ખરાબ કહે છેઃ હેમા માલિની
બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું, વિપક્ષ હંમેશા વિરોધ કરે છે, આ તેમનું કામ છે. તેઓ સારી બાબતને પણ ખરાબ કહે છે. પીએમ ઘણી સારી યોજનાઓ લાવ્યા છે પરંતુ તેઓ કહે છે કે આ બધી બાબતો ખોટી છે.
આ બિલ મુસ્લિમો અને મહિલાઓના હિતમાં છેઃ હરીશ બાલયોગી
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ જીએમ હરીશ બાલયોગીએ કહ્યું- આ બિલ મુસ્લિમો અને મહિલાઓના હિતમાં છે. વકફ બોર્ડમાં પારદર્શિતા માટે આ લાવવામાં આવ્યું છે.
વક્ફ સંશોધન બિલના વિરોધમાં કોણે શું કહ્યું…
વક્ફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છેઃ મોહિબુલ્લાહ
સપા સાંસદ મોહિબુલ્લાહે કહ્યું- વક્ફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે. આ બિલ મજહબમાં દખલગીરી છે. જો આમ થશે તો દેશમાં કોઈ લઘુમતી સુરક્ષિતતા અનુભવશે નહીં. ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય, ડીએમકે સાંસદ કે. કનિમોઝીએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું હતું.
દેશના ભાગલા પાડવાના પ્રયાસ, તમે મુસ્લિમોના દુશ્મન છોઃ ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ નિયમ 72(2) હેઠળ વક્ફ બિલનો વિરોધ કરતાં કહ્યું કે આ બંધારણની મૂળ ભાવના પર હુમલો છે. તમે હિન્દુ પૂરી સંપત્તિ પોતાના દીકરા-દીકરીના નામે આપી શકો છે. આ બિલ હિન્દુ મુસલમાનોમાં ભેદભાવ ઉભો કરે છે. વક્ફ મિલકત જાહેર મિલકતો નથી. સરકાર દરગાહ અને અન્ય સંપત્તિ લેવા માંગે છે. તમે દેશને વિભાજન કરવાનું કામ કરી રહ્યા છો. તમે મુસ્લિમોના દુશ્મન છો.
વક્ફ બિલ એ મૂળભૂત અધિકારો પર હુમલો છેઃ વેણુગોપાલ
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે વક્ફ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. વેણુગોપાલે કહ્યું કે વક્ફ પણ એક ધાર્મિક સંસ્થા છે. આ બિલ મૂળભૂત અધિકારો પર હુમલો છે. આ સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ છે. વેણુગોપાલે જણાવ્યું કે અમે હિન્દુ છીએ. પરંતુ સાથે જ અમે એકબીજાના ધર્મો પ્રત્યેની શ્રદ્ધાનું સન્માન કરીએ છીએ. આ બિલ મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણીને જોતા લાવવામાં આવ્યું છે. વેણુગોપાલે કહ્યું કે અયોધ્યામાં મંદિર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. તેમાં કોઈ બિન-હિન્દુ સભ્ય બની શકે છે ? તો પછી વક્ફ પરિષદમાં બિન-મુસ્લિમ સભ્યની વાત કેમ કરવામાં આવી રહી છે.
આ બિલ સંપૂર્ણપણે મુસ્લિમોની વિરુદ્ધ છેઃ કનિમોઝી
ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિએ કહ્યું કે આ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે. જ્યારે કોઈપણ મંદિરની સમિતિમાં કોઈ બિન-હિન્દુ સભ્ય નથી તો વક્ફમાં શા માટે. આ બિલ ખાસ કરીને સમાનતાના કાયદાનું ઉલ્લંઘન કરતા ધાર્મિક જૂથને નિશાન બનાવે છે. આ બિલ સંપૂર્ણપણે મુસ્લિમોની વિરુદ્ધ છે. આ દેશ એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં વિવિધ ધર્મ અને વિવિધ ભાષાઓના લોકો રહે છે.
કાં તો આ બિલ પાછું ખેંચો અથવા તેને સ્ટેન્ડિંગ કમિટીને મોકલોઃ સુપ્રિયા સુલે
NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, કાં તો આ બિલ પાછું ખેંચો અથવા તેને સ્ટેન્ડિંગ કમિટીને મોકલો. કોઈની સલાહ લીધા વિના એજન્ડા સાથે આગળ વધશો નહીં. બિલનો ડ્રાફ્ટ સાંસદો સુધી પહોંચે તે પહેલાં મીડિયામાં પહોંચી ગયો. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ બિલ 6 ઓગસ્ટે સાંસદોને મોકલવામાં આવ્યું હતું. સાંસદ પોર્ટલ ચેક કરો.
સરકાર મોટો અન્યાય કરી રહી છેઃ મોહમ્મદ બશીર
કેરળના મુસ્લિમ લીગના સાંસદ મોહમ્મદ બશીરે બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે સરકાર મોટો અન્યાય કરી રહી છે. તમે આ બિલ દ્વારા સિસ્ટમની હત્યા કરી રહ્યા છો. તમે હિન્દુ-મુસ્લિમ કરી રહ્યા છો. અમે દેશને તે દિશામાં જવા નહીં દઈએ.