જાપાનની વર્લ્ડ નંબર વન અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા રેસલરને હરાવી
ભારતની રેસલર વિનેશ ફોગાટ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર-1 અને 2020 ટોકિયો ઓલિમ્પિક ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. વિનેશની આ પ્રથમ મેચ હતી અને તેણે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચ જીત્યા બાદ વિનેશ ભાવુક થઈ ગઈ હતી.
વિનેશ ફોગાટે 50કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વિનેશે પોતાની મેચમાં જાપાનની વર્લ્ડ નંબર વન અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા રેસલરને પછાડી હતી. યુઈ સુસાકી ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તેને પરાજય આપવો વિનેશ ફોગાટ માટે મુશ્કેલ લાગી રહ્યું હતું. પરંતુ તેણે પ્રતિસ્પર્ધીને પોતાના દાવથી ચોંકાવી અને ધોબીપછાડ આપી હતી. આ સાથે વિનેશ હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ઇવેન્ટમાં વિનેશને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

વિનેશ શરૂઆતમાં આ મુકાબલામાં પાછળ હતી અને છેલ્લી મિનિટ પહેલા સુધી 2-0થી પાછળ હતી. છેલ્લી મિનિટમાં તેણે જબરદસ્ત દાવ લગાવીને 3-2થી મેચ પોતાના પક્ષમાં લાવી દીધી હતી અને યુવી સુસાકીને હરાવી દીધી હતી. યુઈ સુસાકી નંબર વન રેસલર છે અને તે આજ સુધી ક્યારેય નહોતી હારી. પરંતુ ઓલિમ્પિક જેવા પ્લેટફોર્મ પર વિનેશે પોતાનો વિજયી દાવ ખેલીને તેને પછાડી હતી.