30 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઃ અંબાલાલ પટેલ
આગામી 24 કલાક ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી
આજે વહેલી સવારથી જ અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતનાં ગુજરાતનાં મુખ્ય શહેરોના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. આજે 29મી જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ ઝડપી રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, મોરબી અને જામનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉપર ઉત્તરમાં 20 એટિટ્યૂડ પર સક્રિય થયેલું છે. તદુપરાંત દક્ષિણના ભાગો પર ઓફશોર ટ્રફ છે, જેને કારણે વિવિધ સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન 35થી 45 કિ.મી., જ્યારે ત્રીજા દિવસથી 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 30 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના છે. ખાસ કરીને વડોદરા, દાહોદ, ડાંગ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદ થવાનો છે. આ સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ 28 થી 30 જુલાઈ સુધી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે, આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા ફરી ચોમાસું સક્રિય થયું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ સિસ્ટમની સાથે-સાથે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા સર્જાયેલી છે, જેની અસર પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે.