BKTC પ્રમુખે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આપ્યો ખુલ્લો પડકાર “સાબિત કરો કે 228 કિલો સોનું ગાયબ થયું છે”

kedarnath-gold

BKTC પ્રમુખે કહ્યું કે જો સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમણે લગાવેલ આરોપોને સાબિત કરી શકતા નથી તો તેમણે બિનજરુરી વિવાદ ઉભો કરવાની જરૂર નથી. કેદારનાથની ગરિમાને નુકસાન પહોંચાડવો તેમને કોઈ અધિકાર નથી

થોડા દિવસ પહેલા જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાંથી 228 કિલો સોનું ગાયબ થવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોને સાબિત કરવા માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનાં પ્રમુખે તેમને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને આરોપોને સાબિત કરવા સુપ્રીમ કોર્ટમાં જવા કહ્યું છે. તેમણે કહ્યું કે જો જ્યોતિર્મથ શંકરાચાર્ય આરોપો સાબિત કરી શકતા નથી, તો તેમને બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો અને કેદારનાથની ગરિમાને નુકસાન પહોંચાડવાનો કોઈ અધિકાર નથી.

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે લગાવ્યો હતો અને કહ્યું હતું કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાંથી 228 કિલો સોનું ગાયબ થયું છે, તેની હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી, આના માટે કોણ જવાબદાર છે. તેના જવાબમાં હવે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિરમાં કોઈપણ પ્રકારના કૌભાંડના આરોપોને નકારી કાઢ્યા હતા. બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આરોપો પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું સન્માન કરું છું પરંતુ તેઓ આખો દિવસ પ્રેસ કોન્ફરન્સ કરતા રહે છે. વિવાદ ઉભો કરવો, સનસનાટી ફેલાવવી અને સમાચારોમાં રહેવું તેની આદત બની ગઈ છે.

BKTC પ્રમુખે કહ્યું કે કેદારનાથ ધામમાં સોનું ગુમ થવાનો તેમનો દાવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ સાથે જ તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પડકાર ફેંકતા કહ્યું હતું કે ‘હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદને તથ્યો અને પુરાવાઓ સામે લાવવા વિનંતી કરું છું અને પડકાર પણ કરું છું. તેઓએ અધિકારીઓ પાસે જવું જોઈએ, પુરાવા રજૂ કરવા જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેઓને રાજ્ય સરકાર અને તેના અધિકારીઓ પર વિશ્વાસ ન હોય તો તેઓએ પુરાવા સાથે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ, જનહિતમાં અરજી દાખલ કરવી જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ.

વધુમાં BKTC પ્રમુખે કહ્યું કે જો સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમણે લગાવેલ આરોપોને સાબિત કરી શકતા નથી તો તેમણે બિનજરુરી વિવાદ ઉભો કરવાની જરૂર નથી. કેદારનાથની ગરિમાને નુકસાન પહોંચાડવો તેમને કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું હતું કે કેદારનાથ ધામમાં કુલ 23 કિલો જેટલું સોનું છે. કેદારનાથ મંદિરના ગર્ભગૃહને સોનાનો ઢોળ ચઢાવવામાં રાજ્ય સરકાર અને મંદિર સમિતિનું કોઈ યોગદાન નથી. જે દાતાએ મંદિરને સોનું ચડાવ્યું છે, તેણે પોતાના ઝવેરી દ્વારા કેદારનાથ મંદિરમાં સોનું પહોંચાડ્યું અને તે જ સોનું ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનું વજન લગભગ 23 કિલો છે.

તેમણે જણાવ્યું કે સોનાથી શણગારવામાં આવે તે પહેલા મંદિરમાં ચાંદીની પ્લેટો લગાવવામાં આવી હતી જે 230 કિલોની હતી. જ્યારે ચાંદીને બદલે સોનાની પ્લેટ લગાવવામાં આવી ત્યારે અમુક અફવા ફેલાવનાર લોકોને લાગ્યું કે 230 કિલો ચાંદીની જગ્યાએ તેટલા જ વજનનું સોનું આવ્યું હશે અને મંદિરમાં ઓછું સોનુ લગાવવામાં આવ્યું હશે. આધાર માટે સ્થાપિત કોપર પ્લેટ્સનું વજન લગભગ 1000 કિગ્રા છે. આ શુદ્ધ ચાંદીની પ્લેટો છે, જ્યારે સોનાની પ્લેટિંગમાં, તાંબાની પ્લેટ પર સોનાનું સ્તર લગાવવામાં આવે છે. દેશભરના તમામ મંદિરોમાં સોનાનું લેયર માત્ર તાંબાની પ્લેટ પર લગાવવામાં આવ્યું છે. માત્ર વિવાદ ઉભો કરવા માટે એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે 228 કિલો સોનું ગુમ થયું છે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023માં કેદારનાથ ધામના મુખ્ય પૂજારી સંતોષ ત્રિવેદીએ આરોપ લગાવ્યો હતો કે મંદિરના ગર્ભગૃહની દિવાલો પર 125 કરોડ રૂપિયાનું સોનું ચડાવવામાં આવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે 2005માં મંદિરના ગર્ભગૃહની દીવાલો પર સોનાનો થર ચડાવવામાં આવ્યો હતો. કેટલાક દાતાઓએ આ કામ કરાવ્યું હતું. સંતોષ ત્રિવેદીએ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) પર અનિયમિતતાનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં રહેલું સોનું હવે પિત્તળમાં ફેરવાઈ ગયું છે. તે સમયે પણ BKTCએ એક નિવેદન જારી કરીને આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને તેને મંદિર મેનેજમેન્ટને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું.