ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા, BCCI સેક્રેટરી જય શાહે આપી જાણકારી

gautam-gambhir

ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો, હેડ કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતા.
ગંભીરે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાનો કોચ બનવું સન્માનની વાત છે. મને ભારતીય ટીમનો કોચ બનવું ગમશે.

ટીમ ઈન્ડિયાનાં કોચ તરીકેના નામ અંગે ઘણા સમયથી ચાલતી ચર્ચાનો આજે અંત આવ્યો છે. ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ઈન્ડિયાના હેડ કોચ બન્યા છે. BCCIના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની થયાની જાણકારી આપી છે.

https://x.com/JayShah/status/1810682123369816399

ઉલ્લેખનિય છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાના સમાચારની સાથે જ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના સમાચારો પણ વહેતા થયા હતા. હાલમાં ભારતીય ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં ગંભીર ચાર્જ સંભાળશે.

IPL 2024ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતો. કોચ પદ માટેના ઈન્ટરવ્યુ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. ESPNના અહેવાલ પ્રમાણે ગંભીર ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યોને મળ્યા હતા. કોચ માટેની અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27મી મે હતી.

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો ઉત્તમ ખેલાડી રહ્યો છે અને તેની પાસે કોચિંગનો અનુભવ પણ છે. હાલમાં જ અબુધાબીમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં બાળકના સવાલનો જવાબ આપતા ગંભીરે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાનો કોચ બનવું સન્માનની વાત છે. મને ભારતીય ટીમનો કોચ બનવું ગમશે. તમારી રાષ્ટ્રીય ટીમને કોચ આપવાથી મોટું કોઈ સન્માન નથી.

તેણે કહ્યું હતું કે- જ્યારે તમે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરો છો, ત્યારે તમે વિશ્વભરના 140 કરોડથી વધુ ભારતીયોની નજરમાં છો. કોઈના માટે આનાથી મોટી ક્ષણ શું હોઈ શકે છે જે ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરશે, તે 140 કરોડ ભારતીયો છે જે ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરશે. જો બધા આપણા માટે પ્રાર્થના કરવા લાગે અને આપણે આપણી બધી મહેનત સાથે રમવાનું શરૂ કરીએ.