ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો
દેશમાં મોઘવારી સતત વધી રહી છે. ત્યારે ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે.
ગુજરાત ગેસ સીએનજીનો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો. જેમાં તા. 4 જુલાઈ, 2024થી 1 રૂપિયાનો વધારો થતા હવે નવો ભાવ 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે. જેના કારણે CNG વાહન ચાલકો પર મોટો બોજો પડશે. જેને પગલે સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લે એક વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં સીધો બે રૂપિયાનો વધારો કર્યો હતો.
આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.