દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયો કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરને કારણે 77 પ્રાણીઓના મોત થયા છે અને 94 પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રાને અસર થઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી છે. ભારે વરસાદના કારણે પૂર સામે ઝઝૂમી રહેલા આસામમાં મૃત્યુઆંક 62ને વટાવી ગયો છે. દેશભરમાં હવામાનની સ્થિતિ જાણો.
આસામમાં પૂરના કારણે 62 લોકોના મોત
આસામમાં વરસાદ, પૂર, તોફાન અને ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 62 પર પહોંચી ગઈ છે. જ્યારે 3 લોકો ગુમ છે. 29 જિલ્લાના 22 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરને કારણે 77 પ્રાણીઓના મોત થયા છે અને 94 પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રા રોકી દેવાઈ
જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે (6 જુલાઈ) ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. પવિત્ર ગુફા તરફ જનારા પહેલગામ અને બાલટાલ બંને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. યાત્રાળુઓને તેમના બેઝ કેમ્પમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. હવામાનમાં સુધારો થયા બાદ જ તેમને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે.
ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. 6-7 જુલાઇના રોજ રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, વરસાદ 64.5-115.5 mm થી 115.5-204.4 mm સુધીની હોઈ શકે છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ અને ઋષિકેશથી બદ્રીનાથ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 107 અને 58 બંધ કરી દેવામાં આવ્યા છે. ડોલિયા દેવી (ફાટા)માં રોડ પર કાટમાળ જમા થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
શુક્રવારે, ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો, જેના કારણે 88 રસ્તાઓ પર ભૂસ્ખલન અને ટ્રાફિક જામ થયો. ભૂસ્ખલનના કાટમાળને કારણે રૂદ્રપ્રયાગમાં જૂની ટનલ બંધ થઈ ગઈ છે. દેહરાદૂનમાં આખો દિવસ અવાર-નવાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અહીંના ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. વરસાદના કારણે પાણી ભરેલા ખાડામાં 5 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. હરિદ્વારમાં પણ એક છોકરાએ જીવ ગુમાવ્યો.
આટલા રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ
IMD એ શનિવારે (6 જુલાઈ) 28 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આસામ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, ઓડિશા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે